અમદાવાદની ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કુલ એફઆરસી મુદ્દે સુપ્રીમ કોર્ટે વાલીઓ તરફી ચુકાદો આપ્યો છે અને કાઢી મુકવામા આવેલા વિદ્યાર્થીઓને સ્કુલમાં પરત લેવાનો આદેશ આપવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યુ છે કે, તમે વેપારી નથી. તમે શૈક્ષણિક સંસ્થા ચલાવો છો. સુપ્રીમ કોર્ટે ચુકાદામા કહ્યુ હતુ કે, સ્કુલોએ એફઆરસીના નિયમો પાળવા અનિવાર્ય છે. જો એફઆરસી પ્રમાણે શાળાઓ ફી ન લે તો સરકાર પગલા ભરી શકે છે.
અગાઉ બાળકોને ફી ભરવા ધમકાવ્યા હતા
FRCની જગ્યાએ નિયત ફી ભરવા માટે ગ્લોબલ સ્કૂલે વાલીઓને ફી ચૂકવવા માટે જાણ કરી હતી અને બાળકોને લઈ જવા જાણ કરી હતી. વાલીઓ સ્કૂલ પહોંચતા તેમને અંદર પ્રવેશવા દેવાયા ન હતા. બાળકોને એક રૂમમાં પૂરી દીધા હતા અને સ્કૂલ છૂટવાના સમયે બહાર જવા દીધા હતા. બાળકોને ફી ભરવા માટે ધમકાવ્યા હતા જેથી બધા બાળકો ભયભીત થયા હતા.
FRCએ અગાઉ સ્કૂલનો ઉધડો લીધો હતો
ફી રેગ્યુલેટરી કમિટી (FRC) સમક્ષ સુનાવણીમાં ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓની જીત થઈ હતી. FRCએ ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલનો ઉધડો લઈ બાળકોને સ્કૂલમાં અભ્યાસ કરાવવા અને FRCએ નક્કી કરેલી ફી લેવા જણાવ્યું હતું. જો સ્કૂલ તે મુજબ ફી નહીં સ્વીકારે તો તેમની સામે પગલાં લેવાની ચીમકી આપવામાં આવી હતી. સાથે જ જણાવ્યું હતું કે, 18 મહિના સુધી FRCમાં ગયા વગર શાળા ફી માગે તે ગંભીર બાબત છે.

