કાશ્મીરની મુલાકાત આંતરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળ કેમ લઈ રહ્યું છે?

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

યુરોપિયન સંઘના સાંસદોનું એક 28 સભ્યોનું પ્રતિનિધિમંડળ મંગળવારે કાશ્મીર ખીણની મુલાકાત લેશે.

5 ઑગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હઠાવ્યા બાદ કોઈ વિદેશી રાજકારણીઓ પહેલીવાર ખીણની મુલાકાત લેશે.

યુરોપિયન સંઘના સાંસદોએ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી, જે દરમિયાન તેમણે સાંસદોને કહ્યું કે, “આતંકવાદીઓનું સમર્થન, પ્રોત્સાહન આપનાર, આવી ગતિવિધિઓ અને સંગઠનોનું સમર્થન કરનાર કે સ્ટેટ પૉલિસી સ્વરૂપે આતંકવાદનો ઉપયોગ કરનાર લોકો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટૉલરેન્સ હોવું જોઈએ.”

પ્રતિનિધિમંડળના એક સાંસદ બી.એન. ડન પ્રમાણે તેઓ ખીણમાં સામાન્ય કાશ્મીરી લોકો સાથે મુલાકાત કરવા અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવવા જઈ રહ્યા છે.

તેમણે કહ્યું કે, “અમે જમ્મુ-કાશ્મીર જઈ રહ્યા છીએ. વડા પ્રધાન મોદીએ અમને કલમ 370ને હઠાવવાની જોગવાઈઓ વિશેની માહિતી આપી છે.”

“જોકે, અમે સ્થળ પર જઈને જોવા માગીએ છીએ કે આખરે આ બધું કેવી રીતે થયું સાથે જ અમે કેટલાક સ્થાનિકો સાથે પણ વાતચીત કરીશું.”

આ પ્રતિનિધિમંડળ ભારત સરકારના આમંત્રણ પર આવ્યું છે, પરંતુ યુરોપિયન સંઘના હવાલા દ્વારા કહેવાઈ રહ્યું છે કે આ કોઈ સરકારી મુલાકાત નથી.