કાર ભાડા પર લીધા બાદ તેને ગુજરાતમાં વેચી મારવાના રેકેટનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો હોઇ આ પ્રકરણે બે જણની ધરપકડ કરવામાં આવી હતી. આ કારનો રજિસ્ટ્રેશન નંબર બદલીને તેનો ઉપયોગ દારૂની હેરફેર માટે થયો હોવાનું તપાસમાં જણાયું હતું. ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલા શખસોની ઓળખ અર્જુન કદમ અને વિમલ પટેલ તરીકે થઇ હતી. કદમ નાલાસોપારાનો, જ્યારે વિમલ વલસાડનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી કદમ લોકો પાસેથી કાર ભાડા પર લેતો હતો અને તેમને બેથી ત્રણ મહિનાનું ભાડૂ ચૂકવી દેતો હતો. ત્યાર બાદ તે ભાડૂ આપવાનું બંધ કરી દેતો અને આ કાર બાદમાં તે વિમલ સુધી પહોંચાડતો હતો. કારનો ત્યાર બાદ રજિસ્ટ્રેશન નંબર બદલી નાખવામાં આવતો હતો અને તે કારને વેચી મારવામાં આવતી હતી. આ કારનો ઉપયોગ બાદમાં દમણ અને ગુજરાતમાં દારૂની હેરફેર માટે થયો હતો, એવું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
