મુંબઈને પાણી પુરવઠો કરનારાં જળાશયોમાં ૨૦૧૮ની સાલમાં સમાધાનકારક વરસાદ નહીં પડવાને કારણે મુંબઈગરાને માથે ૧૦ ટકા પાણી કાપ મૂકવામાં આવ્યો છે. પાણીકાપનો સામનો કરી રહેલા મુંબઈગરાનું આ વર્ષે જોકે પાણી પણ મોંઘુ થવાનું છે. વોટર ટૅક્સમાં ચાર ટકાનો વધારો થવાનો છે અને દર વધારો જૂન મહિનાથી અમલમાં આવવાનો છે. ભાતસા, તાનસા, મધ્ય વૈતરણા, અપર વૈતરણા, મોડક સાગર, વિહાર, તુલસી અને સાતેય જળાશયોમાંથી મુંબઈગરાને દરરોજ ૩,૮૦૦ મિલ્યન લિટર જેટલો પાણી પુરવઠો કરવામાં આવે છે એવો દાવો પાલિકાના પાણી પુરવઠા ખાતા દ્વારા કરવામાં આવે છે પણ પાણીની ચોરી અને ગળતરને કારણે દરરોજ ૮૦૦ થી ૯૦૦ મિલ્યન લિટર જેટલું પાણી વેડફાઈ જતું હોય છે. તેને કારણે મુંબઈગરાને દરરોજ માત્ર ૨,૮૦૦ મિલ્યન લિટર જેટલો જ પાણી પુરવઠો થતો હોવાનું કહેવાય છે.
