વડોદરા સેન્ટ્રલ જેલના 31 કેદીઓને વચગાળા જામીન આપીને મુક્ત કરાયા, ઘરમાં રહીને લોકડાઉનનું પાલન કરવા સૂચના

ગુજરાત મુખ્ય સમાચાર

કોરોના વાઈરસની મહામારીને પગલે વડોદરા સેન્ટ્રલ જેલના 31 કેદીઓને વચગાળા જામીન આપીને મુક્ત કરાયા છે અને કેદીઓને ઘરમાં રહીને લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરવા સૂચના અપાઇ છે અને લોકડાઉનનો ભંગ કરશે તો ફરીથી પકડીને જેલમાં મોકલી આપવામાં આવશે.

3 દિવસમાં 28 સેમ્પલ નેગેટિવ આવ્યા

વડોદરા શહેરમાં છેલ્લા 3 દિવસમાં 28 સેમ્પલ રિપોર્ટ માટે મોકલાયા હતા. આ તમામ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 3 દિવસમાં કોરોના વાઈરસો એકપણ કેસ પોઝિટિવ આવ્યો નથી. જેને પગલે તંત્રએ હાશકારો અનુભવ્યો છે. બીજી તરફ 27 વર્ષના એક યુવાનમાં શંકાસ્પદ કોરોના વાઈરસના લક્ષણો જણાઇ આવતા તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. 
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જનરલ ઓપીડી બંધ કરાઇ
કોરોના વાઈરસની પરિસ્થિતિના પગલે અન્ય દર્દીઓને ઇન્ફેક્શન ન લાગે તે માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જનરલ ઓપીડી બંધ કરવામાં આવી છે. માત્ર ઇમરજન્સી કેસ જ લેવામાં આવશે. જોકે દવા લેવા આવતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

69 લોકોનું ફ્લુ ઓપીડીમાં સ્ક્રિનિંગ કર્યું
અત્યાર સુધીમાં કોરોનાના 101 રિપોર્ટ તંત્ર દ્વારા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે, જે પૈકીના 90 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને 9 પોઝિટિવ તથા બે નમૂના કેન્સલ થયા હતા. એસએસજીમાં 60 અને ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલ ખાતે 30 મહિલાઓ અને 39 પુરૂષો સહિત 69 લોકોનું ફ્લુ ઓપીડીમાં સ્ક્રિનિંગ કરવામાં આવતા આજે શહેરની મોટી બે હોસ્પિટલોમાં સ્ક્રિનિંગની સંખ્યા 129ની નોંધાઇ હતી. 
13 લાખથી વધુ લોકોનો સર્વે પૂરો કરાયો
કોરોનાની કટોકટીની સ્થિતિમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આરોગ્ય સર્વે માટે 752 ટીમોની રચના કરવામાં આવી હતી. જેમાં 14,57,729 લોકો પૈકી 13,73,820  લોકોને આવરી લેવામાં આવ્યા છે. જેમાંથી 672 તાવથી અને 1,488 કફથી પિડાતા હોવાથી તેમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગોરવાના કિશોરના સેમ્પલ લેબમાં મોકલાયા 
ગોત્રી જીએમઇઆરએસ ખાતે 13 વર્ષના એક કિશોરને ખાંસી-શરદીની ફરિયાદ હોવાથી ફ્લૂની ઓપીડીમાં લાવવામાં આવ્યો હતો, પણ શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા તેના નમૂનાઓ લઇને લેબમાં મોકલવામાં આવ્યાં છે. આ કિશોર ગોરવાનો છે અને તેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.