ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણે ક્રિકેટના તમામ ફોર્મમાંથી નિવૃત્તિ જાહેર કરી

ખેલ-જગત મુખ્ય સમાચાર

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સહિત તમામ ફોર્મમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે, તેઓ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર્સ ક્રિકેટર્સમાંથી એક હતા. 

ઇરફાને ભારત માટે 29 ટેસ્ટ, 120 વનડે અને 24 ટી20 મેચો રમી છે. તેમણે 29 ટેસ્ટ મેચોમાં 100 વિકેટ લીધી છે. તેમનુ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શનમાં એક ઇનિંગમાં 59 રન આપીને 7 વિકેટ લીધી હતી, જ્યારે ટેસ્ટમાં તેમના શ્રેષ્ઠ પ્રદર્શનમાં 126 આપીને 12 વિકેટ લેવાનું રહ્યું હતું. 

વનડે મેચોની વાત કરીએ તો ઇરફાને 120 વનડે મેચોમાં 173 વિકેટ લીધી છે. વનડેમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શનમાં તેમણે  27 રન આપીને 5 વિકેટ લીધી હતી. 24 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 28 વિકેટ લીધી છે જેમાં સૌથી બેસ્ટ પ્રદર્શન કરતા 16 રન આપીને 3 વિકેટ લીધી હતી.

ઇરફાન પઠાણે વર્ષ 2003માં 12 ડિસેમ્બરે આસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચમાં ડેબ્યુ કર્યું હતું અને ભારત માટે તેમની અંતિમ મેચ પાંચ એપ્રિલ 2008માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. વનડેમાં તેમનું ડેબ્યુ 9 જાન્યુઆરી 2004માં થયું હતું, આ મેચમાં તેઓ ઓસ્ટ્રેલિયા સામે રમ્યા હતા. ભારત માટે તેમની અંતિમ વનડે 2012માં શ્રીલંકા સામે હતી.