અલ્પેશને ભાજપમાં નો એન્ટ્રીઃ સીએમ વિજય રૂપાણીએ ફરી કર્યો ઈનકાર

ગુજરાત મુખ્ય સમાચાર

ગુજરાતમાં ઠાકોર સમાજને વ્યસન મુક્તિ આંદોલનના નામે એક તાંતણે બાંધીને ભાજપની ઉંઘ હરામ કર્યા બાદ કૉંગ્રેસમાં પ્રવેશ મેળવીને આખરે કૉંગ્રેસને પણ નાટકીય રીતે અલવિદા કરનારા અલ્પેશ ઠાકોર માટે હાલ પૂરતા ભાજપમાં પણ દરવાજા પણ બંધ થયા હોય તેવો ઘાટ ઘડાયો છે.

ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઊભા એનસીપીમાંથી ચૂંટણી લડી રહેલા ઠાકોર સમાજના ઉમેદવારને ખુલ્લેઆમ ટેકો આપીને તેનો પ્રચાર શરૂ કરતા હવે ઠાકોર માટે તેમના રાજકીય ગુરુ શંકરસિંહ વાઘેલાની જેમ જ એનસીપીમાં જગ્યા મળે તેવી શકયતાઓ જોવાઇ રહી છે. અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રવેશ આપવાની મામલે આજે સતત બીજી વાર મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નનૈયો ભણ્યો છે.

છેલ્લાં 6 મહિનાથી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવા જઈ રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે, ત્યાર બાદ 10 એપ્રિલના રોજ અલ્પેશે કૉંગ્રેસમાંથી રાજીનામું આપતા આ ચર્ચાએ વધુ જોર પકડ્યું હતું. જો કે આ અંગે મુખ્ય પ્રધાન રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે, અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની કોઇ વાત નથી. અમારી સાથે જોડાવાની કોઈપણ વાત થઇ નથી. અલ્પેશ જ નહીં ઘણા લોકો કૉંગ્રેસથી નારાજ છે અને પોતાની નારાજગી દેખાડી રહ્યાં છે.

એવુ પણ ચર્ચાઇ રહ્યું છે કે, અલ્પેશ ભાજપમાં જોડાશે તેવી ચર્ચા છે, ત્યારે ભાજપને ય ચિંતા છે કે, જો અલ્પેશ પાર્ટીમાં જોડાય તો પરપ્રાંતીયોના મતોમાં ગાબડાં પડી શકે છે અને માત્ર ગુજરાતમાં જ નહીં દેશભરમાં નુકસાન સહન કરવું પડે.

આ ઉપરાંત અમદાવાદ પૂર્વની બેઠકમાં પણ મોટી સંખ્યામાં પરપ્રાંતીય મતદારો હોવાથી તેમાં પણ નુકસાન થઇ શકે છે. ઢુંઢર દુષ્કર્મની ઘટના બાદ રાજ્યભરમાં પરપ્રાંતીયો પર હુમલા થયા હતા. જેમાં અલ્પેશ ઠાકોરનો દોરીસંચાર હોવાની ચર્ચા ચાલી હતી.

બીજી બાજુ અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ કૉંગ્રેસ દ્વારા તેમનું ધારાસભ્યપદ છીનવા માટે ડ્રાફ્ટ તૈયાર કરાયો છે.

7 જેટલા વકીલોની ટીમ દ્વારા આ ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. મજબૂત કાયદાકીય લડત માટે તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખીને ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ડ્રાફ્ટને મંજૂરી મળતા કૉંગ્રેસ કાર્યવાહી શરૂ કરશે. અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ છીનવવા કૉંગ્રેસ સંભવત: સોમવારે મેદાને ઊતરશે.