આગમી લોકસભા ચૂંટણી પૂર્વે જ પ્રક્રિયામાં બાહ્ય પરિબળોની મધ્યસ્થી અટકાવવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજકીય જાહેરાતો માટે નવા નિયમો લવાશે, એમ ફેસબૂક અને ગુગલ ઈન્ડિયાએ સોમવારે બોમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું. મતદાનના ૪૮ કલાક પૂર્વે સોશિયલ મીડિયા પર રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ ઈચ્છતી જનહિત અરજીની સુનાવણી મુખ્ય ન્યાયમૂર્તિ નરેશ પાટીલ અને ન્યાયમૂર્તિ નીતિન જામદારની બેન્ચ સમક્ષ ચાલી રહી હતી. ફેસબુક વતી વરિષ્ઠ એડવોકેટ દારિયસ ખંભાતાએ કોર્ટને જણાવ્યું હતું કે ગયા વર્ષે અમેરિકા, બ્રાઝીલ અને ફ્રાન્સમાં શરૂ કરાઈ હતી એવી નવી નીતિ ભારતમાં પણ ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ બહાર પાડશે. રાજકીય જાહેરાતો અથવા રાષ્ટ્રીય મહત્ત્વના મુદ્દા મૂકવા ઈચ્છતી વ્યક્તિ માટે ઓથોરાઈઝેશન પ્રક્રિયાનો નવી ફેસબૂક પોલિસીમાં સમાવેશ થશે. જાહેાત કરનારાએ ભારતીય પાસપોર્ટ, ડ્રાઈવર્સ લાઈસન્સ, પાન કાર્ડ, વોટર્સ આઈડીના રૂપમાં ઓલખપત્ર આપવું પડશે. તેમણે ભારતમાં પોતાનું સરનામું ચકાસાવું પડશે અને ભારતીય ચલણમાં ચૂકવણી કરવી પડશે.

