‘કોઈ એન્જિનિયર, કોઈ બીએ પાસ, તો કોઈએ પરીક્ષા માટે નોકરી મૂકી… બસ એટલા માટે જ કે અમે સરકારી નોકરીમાં જોડાવાના સપના જોયા હતા. પણ અમારા જેવા વિદ્યાર્થીઓ મહેનત કરે છે અને તેનુ ફળ રૂપિયા ચૂકવીને કોઈ બીજુ લઈ જાય છે. અમે આજે ગાંધીનગરમાં ન્યાય માંગવા આવ્યા છીએ, ભીખ માંગવા નહિ…..’ આ શબ્દો છે એ હજ્જારો ઉમેદવારોનો, જેઓ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માં થયેલી ગેરરીતિ સામે ન્યાય માંગવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. પરંતુ ગુજરાતની આ ભાવિ પેઢી સાથે જે વર્તન થયું તે શરમજનક રહ્યું. પોલીસે વિદ્યાર્થીઓને દંડાગીરી કરી હતી. તો સાથે જ પકડી પકડીને તેઓને પોલીસની બસમાં બેસાડીને તેમની અટકાયત કરી હતી. તો બીજી તરફ, રાજ્યભરના વિદ્યાર્થીઓમાં આ મામલે આક્રોશ દેખાઈ રહ્યો છે. સુરેન્દ્રનગર અને સુરતમાં પણ વિરોધ જોવા મળ્યો છે.
ન્યાય માંગવાની આશાએ આજે રાજ્યભરમાં હ્જારો વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા હતા. જેમાં યુવતીઓ પણ સામેલ હતી. વી વોન્ટ જસ્ટિસની માંગ સાથે હજ્જારો ઉમેદવારોએ સરકાર સામે મોરચો માંડ્યો છે કે, બિનસચિવાલય પરીક્ષા કેન્સલ કરવામાં આવે. કારણ કે, આ પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના પુરાવા પણ મળ્યા છે. ત્યારે ગાંધીનગરની પોલીસે પ્રદર્શન કરી રહેલા 400થી વધુ ઉમેદવારોની અટકાયત કરી છે. તમામની અટકાયત ઉપવાસ છાવણી પાસેથી કરાઈ છે. વિદ્યાર્થીઓ પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા આવ્યા છે, પરંતુ સરકારની પેટનું પાણી હાલતું નથી.
સરકાર અમને ન્યાય આપોના નારા સાથે હજ્જારો વિદ્યાર્થીઓ ગાંધીનગર ઉમટી પડ્યા હતા. ત્યારે તેમના પોસ્ટર પર લખેલા લખાણમાં પણ સરકાર સામેનો વિરોધ સ્પષ્ટ દેખાયો હતો. હમારી ભૂલ કમલ કા ભૂલ, શું આ બધુ કરવા આઝાદી આપી હતી? મહાત્મા ગાંધી, સંવેદનહીન સરકાર જેવા લખાણો સાથે વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. પરંતુ કેબિનેટ બેઠકમાં પણ બિનસચિવાલય પરીક્ષાના ઉમેદવારોના વિરોધ પ્રદર્શનનો પડઘો પડ્યો હતો. સવારે 10 વાગ્યે શરૂ થયેલી કેબિનેટ બેઠક બપોરે 1 વાગ્યા સુધી પણ ચાલુ હતી. બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિના મામલા પર શું કરવું તેની પણ ચર્ચા થઇ હોવાનું સૂત્રો તરફથી માહિતી મળી હતી.
એક તરફ, પોલીસ વિદ્યાર્થીઓને પકડી પકડીને બસમાં બેસાડીને અટકાયત કરી રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે ગાંધીનગરના રેન્જ આઈજી મયંક ચાવડાએ મીડિયાને જણાવ્યું કે, કોઈની અટકાયત કરાઈ નથી. કોઈને કોઈ જાતની ઈજા કે પથ્થરમારો થયો નથી. વિદ્યાર્થીને કોઈ નુકસાન થાય તે પ્રકારની કાર્યવાહી અમે કરી નથી. વિદ્યાર્થીઓ સાથે કોઈ અમાનવીય વર્તન નથી કર્યું. તો બીજી તરફ, પોલીસ કર્મચારીઓ જ ‘વિદ્યાર્થીઓને દેવાનું ચાલુ કરો….’ તેવુ કહી રહ્યાં છે.
આંદોલનકારી પ્રવિણ રામે જણાવ્યું કે, ગુજરાતનાં યુવાનો સાથે સરકાર આંતકવાદી જેવું વર્તન કરી રહી છે. ગુજરાતના યુવાનોને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે. ગુજરાતના યુવાનો પ્રત્યે તંત્રનું તાનાશાહી જેવું વર્તન છે. અટકાયતો કરવા કરતાં સરકારે યુવાનોની વાતો સાંભળવી જોઈએ. અટકાયત કરેલા યુવાનો પર તંત્ર કોઈ કડક પગલાં ભરશે તો ગાંધીનગરમાં ફરીથી જન અધિકાર મંચના નેતૃત્વમાં ઉગ્ર આંદોલન થશે.
પ્રદિપસિંહ જાડેજાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, ગૌણસેવા પસંદગી મંડળ બિન સચિવાલયન કારકૂન અન્ય જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવી હતી. રાજ્યમાં 6 લાખ કરતા વધારે ઉમેદવારો હાજર રહ્યા હતા. રાજ્યમાં અત્યારે 25,000 કરતા વધારે યુવાનો રોજગારી આપવાનું કામ સરકારે કર્યું છે. 3173 પરીક્ષા કેન્દ્રોમાં 98 ટકા વધારે સીસીટીવી હેઠળ આવરી લેવામાં આવ્યું હતું. આ પરીક્ષા પૂર્ણ થયા બાદ 39 લેખીત ફરિયાદ 26 જેટલા વોટ્સએપના ચેટો પણ ફરિયાદ કરવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનામાં 5 જિલ્લામાં 39 ફરિયાદમાં 305 સીસીટીવી ફૂટેજ ચકાસવાનું કામ અંતિમ તબક્કામાં છે. બે દિવસની અંદર જ એક્શન લઈને રજૂ કરવામાં આવશે. આ સાચો માણસ દંડાઈ ન જાય એ માટે આ કામગીરી ઝીણવટ પૂર્વક ચાલી રહી છે.
બનાસકાંઠા, જૂનાગઢ અને સોમનાથમાં ફરિયાદો થઈ છે. જે પૈકી પાલનપુરમાં થયેલી ફરિયાદમાં એફઆઈઆર કરવામાં આવી છે. જે લોકોએ વોટ્સએપ મારફતે આન્સર કી મંગાવી હતી એની સામે એક્શન લેવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રોમાં ચોરી કરી છે એના સંદર્ભમાં સંચાલકો, સુપર્વાઈઝર અને ખંડ નિરિક્ષકોને બોલાવીને પરીક્ષામાં ચોરી થયાની સૂનાવણી આવતી કાલે કરવામાં આવશે. એમ પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું.
પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુંકે, અન્ય પરીક્ષાઓની જેમ આમા પણ વેઈટિંગ લિસ્ટ બનાવાની જરૂર જણાય તો કેટલાક સુધારા કરીને તૈયાર કરવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સંવાદના સાથે સૂચના આપી હતી.

