હાલ સમગ્ર દુનિયા મહામારીના સંકટથી ઝઝૂમી રહી છે અને પાકિસ્તાને તેની નાપાક હરકતો તથાવત રાખી છે. આતંકવાદીઓની ઘૂષણખોરી કરાવવા માટે કુપવાડાના કેરન સેક્ટરમાં શુક્રવારે ભારતીય સેના પર ફાયરિંગ કર્યું હતું. ભારતીય સેનાએ જેનો જડબાતોડ જવાબ આપતા આતંકી લોન્ચ પેડને નિશાનો બનાવીને હુમલા કર્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, દુશ્મનને ભારે નુકસાન થયું છે.
આર્મીના સૂત્રોના જણાવ્યા મુજબ, શુક્રવારે સવારે 11 વાગ્યે પાકિસ્તાને કુપવાડાના કેરન સેક્ટરમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જેનો ભારતીય સેનાએ જવાબ આપ્યો હતો. સાંજે લગભગ 6 વાગ્યા સુધી બંને તરફથી ફાયરિંગ થઈ રહ્યું હતું. ભારતીય સેનાના જણાવ્યા મુજબ, સેનાએ એલઓસીની પાર બનેલા આતંકી લોન્ચ પેડને નિશાનો બનાવ્યો. સાથે સાથે હથિયાર રાખવાની જગ્યાને પણ નિશાનો બનાવ્યો હતો.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, આપણા જવાનોએ પ્રભાવી અને મજબૂત જવાબ આપ્યો. આતંકવાદી લોન્ચ પેડ અને હથિયાર રાખવાની જગ્યાને નિશાનો બનાવ્યો હતો પાકિસ્તાનની સાઈડને ભારે નુકસાન પહોંચ્યું છે. આપણે ત્યાં કોઈ જાનહાનિ થઈ નથી.
ભારતીય સેનાએ 105 એમએમની ફીલ્ડ ગન અને 155 એમએમ બોફોર્સ તોપનો પણ ઉપયોગ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, લગભગ એક લોન્ચ પેડ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું છે. બીજું લોન્ચ પેડને પણ નુકસાન પહોંચ્યું છે.

