એક જ દિવસમાં બે સ્થળોએ કારીગરોની સમયસર વેતન તેમજ જમવાનું નહીં મળતું હોવાના મુદ્દે ધમાલ થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં સવારે સુરત ડાયમંડ બુર્સના કારીગરોએ ધમાલ કર્યા બાદ મોડી સાંજે શહેરના લસકાણા ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના, રામદેવ, ડાયમંડ નગર કળથીયા સોસાયટીના હજારો કારીગરોએ રસ્તે આવીને ધમાલ કરી હતી. ટોળાએ રસ્તાને બંધ કરવા માટે મુકવામાં આવેલા બેરીકેટ્સને ફેંકી દઈને લાકડા પણ તોડી પાડીને સળગાવી દીધા છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લીધો હતો.
લસકાણાના વિવર્સ અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યુંહતુંકે, આજે મોડી સાંજે 8 વાગ્યાની આસપાસ લસકાણાની પ્રમુખ સોસાયટીઓ જેવી કે ક્રિષ્ના, રામદેવ, ડાયમંડ નગર, કળથીયા જેવી સોસાયટીઓમાં રહેતાં અંદાજે 2000 થી 3000 કારીગરો રસ્તે આવી ગયા હતા. વતન જવાની માંગણી કરીને રસ્તો બંધ કરવા માટે પોલીસે મુકેલા બેરીકેટ્સ અને લાકડાને ફેંકી દીધા હતા.
અન્ય વિવર્સ અગ્રણી હરિ કથિરીયાએ જણાવ્યુંહતુંકે, સાંજે પહેલા કેટલાક કારીગરોનું જુથ રસ્તે આવી ગયું હતું, પોલીસે તેમને ઘરે ચાલ્યા જવા કહ્યુ હતું. પોલીસ જતાં મોટી સંખ્યામાં ટોળું ફરી રસ્તે આવી પહોંચ્યુ હતું. જેમાં ગાડીઓની સાથો-સાથ શાકભાજી અને ફળ વિક્રેતાઓને લારીને પણ મોટુ નુકશાન કર્યુ છે. જોકે ,કોઈ ઉદ્યોગકારોને ઈજા થઈ નથી. તેમજ મિલ કે મિલના મશીનોને પણ નુકશાન કર્યુ નથી.

