દિલ્હીની સરકારી સ્કૂલની મુલાકાતમાં મેલાનિયાની સાથે નહીં રહે કેજરીવાલ અને સિસોદિયા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

તાજેતરમાં જ માહિતી મળી હતી કે બે દિવસના ભારત પ્રવાસ દરમિયાન મેલાનિયા ટ્રમ્પ દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાત કરવા જશે. પરંતુ તેમની આ મુલાકાત દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા તેમની સાથે નહીં રહે. જોકે, આ અગાઉ જાણકારી મળી હતી કે પ્રથમ મહિલા મેલાનિયા સાથે દિલ્હીના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાજર રહેશે.

નોંધનીય છે કે 25 ફેબ્રુઆરીના રોજ મેલાનિયા ટ્રમ્પ દક્ષિણી દિલ્હીની સરકારી સ્કૂલમાં હેપ્પીનેસ ક્લાસ જોવા જશે. આ કાર્યક્રમમાંથી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને બહાર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર સરકારે દબાણ કરીને કેજરીવાલ અને સિસોદિયાને આ કાર્યક્રમમાંથી બહાર કરાવી દીધા છે. 

નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ ટ્રમ્પના ભારત પ્રવાસ અગાઉ એક સરકારી સ્કૂલમાં હેપ્પીનેસ ક્લાસની મુલાકાત કરીને મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમાં તેમણે કહ્યું કે, ‘હેપ્પીનેસ ક્લાસના વખાણ થાય છે ત્યારે મને ખૂબ જ આનંદ અનુભવાય છે. આની શરૂઆત દોઢ વર્ષ પહેલા થઈ હતી. જેનાથી બાળકોમાં પોતાના માતા-પિતા પ્રત્યે પ્રેમ ભાવ જન્મે છે. સમાજ પ્રત્યે સારી ભાવના કેળવાય છે. અભ્યાસ પ્રત્યે ધ્યાન કેન્દ્રીત થઈ રહ્યું છે તેમજ બાળકના અલગ વ્યક્તિત્વનું નિર્માણ થઈ રહ્યું છે.’

મેલાનિયા ટ્રમ્પની મુલાકાત પર સિસોદિયાએ કહ્યું હતું કે, ‘અમારી પાસે તેમની રિક્વેસ્ટ આવી હતી તેથી અમે તેમને કહ્યું હતું કે જો તેઓ આવવા માગતા હોય તો તેમનું સ્વાગત છે. કેટલીક સ્કૂલોમાં તેમના માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પરંતુ તેમની સુરક્ષાઓને ધ્યાનમાં રાખીને તે સ્કૂલો કઈ છે તે અંગે હું કોઈ જાણકારી આપી શકીશ નહીં.’