ભારતે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન સમગ્ર વિશ્વમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા માટે ઠેર ઠેર રખડી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા, ચીન, રશિયા, ઈસ્લામિક દેશો સહિત દરેક જગ્યાએથી કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને કોઈનો પણ ટેકો નહીં મળવા છતાં પાકિસ્તાને હાલ જીનેવામાં ચાલી રહેલા સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની બેઠક દરમિયાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. જોકે, આ મુદ્દો ઉઠાવતી વખતે પાકિસ્તાને કબૂલી લીધું કે કાશ્મીર ભારતનો જ એક ભાગ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીની કબૂલાતનો આ વીડિયો મંગળવારે ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો હતો.
કુરેશીએ કહ્યું કે ભારત દુનિયાને એ બતાવવાનો પ્રાયસ કરે છે કે કાશ્મીરમાં જીવન સામાન્ય થઈ ગયું છે. પરંતુ જો ત્યાં બધું જ સામાન્ય હોય તો તે આંતરરાષ્ટ્રીય મીડિયા, સંગઠનો, એનજીઓ, સીવિલ સોસાયટીને ભારતના રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં જવા કેમ નથી દેતું. તેમને પોતાને હકીકત જોવા કેમ નથીદેતું. પાકિસ્તાન દ્વારા ફરી કાશ્મીર મામલે સંયુક્ત રાષ્ટ્રમાં અપીલ કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર સંગઠન દ્વારા કાશ્મીરમાં માનવ અિધકારોનો ભંગ થયો હોવાના દાવા થયા તે બાદ પાકિસ્તાન દ્વારા હવે ફરી યુએનમાં આ મામલે તપાસની માગણી કરવામાં આવી છે.
સંયુક્ત રાષ્ટ્રમાં હાલ 42મું સેશન ચાલી રહ્યું છે. જેમાં ભાષણ આપતી વેળાએ પાકિસ્તાન દ્વારા ભારત પર અતી ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રની ઓફિસની બહાર પાકિસ્તાન વિરૂદ્ધ બલુચિસ્તાનના સમર્થનમાં પ્રદર્શન યોજાયું હતું.
પાકિસ્તાને સાથે વિશ્વ પર પણ કાશ્મીર મામલે ગંભીર આરોપો લગાવ્યા હતા અને કહ્યું હતું કે વિશ્વના અન્ય દેશો આ મામલે ચૂપ કેમ બેઠા છે? પાક.ના વિદેશ પ્રધાન શાહ મોહમ્મદ કુરેશીએ સાથે એ વાતની પણ કબૂલાત કરી દીધી હતી કે કાશ્મીર ભારતનું જ રાજ્ય છે. માનવ અધિકાર અિધવેશનમાં ભાગ લીધા બાદ જ્યારે મીડિયાએ સવાલો કર્યા ત્યારે કુરેશીએ જણાવ્યું હતું કે કાશ્મીર ભારતનું રાજ્ય છે.
તેમણે કહ્યું કે દુનિયાને ભારત એ દર્શાવવાની કોશીષ કરી રહ્યું છે કે કાશ્મીરમાં જિંદગી સામાન્ય થઇ ગઇ છે. જો ખરેખર એવું છે તો આંતરરાષ્ટ્રીય મીડિયા, સંસૃથાન અને એનજીઓને ભારત પોતાના રાજ્ય જમ્મુ કાશ્મીરમાં કેમ નથી જવા દેતું. એટલે કે પાકિસ્તાનના વિદેશ પ્રધાને એ વાતનો સ્વીકાર કરી લીધો હતો કે કાશ્મીર ભારતનો જ હીસ્સો છે.
જોકે તે પહેલા તેમણે ભારત વિરોધી ઝેર ઓક્યું હતું અને કાશ્મીરમાં માનવ અધિકારોનો ભંગ થઇ રહ્યો હોવાના દાવા કર્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર માનવ અિધકાર સંગઠનના ચીફ મિશેલે અગાઉ આ મામલે દરમિયાનગીરી કરી હતી જેને પગલે બાદમાં પાકિસ્તાન પણ બોલવા લાગ્યું છે.
જોકે ભારતે બહુ જ સ્પષ્ટપણે કહી દીધુ છે કે કાશ્મીર ભારતનો જ ભાગ છે અને તેમાં અન્ય કોઇ પણ દેશને દરમિયાનગીરી કરવાનો અધિકાર નથી. સંયુક્ત રાષ્ટ્રને પણ આ સ્પષ્ટતા ભારતે કરી દીધી હતી તેમ છતા પાકિસ્તાન દ્વારા વારંવાર એકનો એક જ મામલો ઉઠાવવામાં આવી રહ્યો છે.
જોકે તેની કોઇ જ અસર સંયુક્ત રાષ્ટ્રમાં કે અન્ય કોઇ દેશ પર નથી થઇ રહી છે. બીજી તરફ યુએન ઓફિસની બહાર બલુચિસ્તાન અને પખ્તૂનખ્વામાં માનવ અધિકારોનું ઉલ્લંખન થઇ રહ્યું છે જેને લઇને લોકોમાં રોષ વધી રહ્યો છે. બલુચિસ્તાન માનવ અિધકાર પરિષદે આ મામલો ઉઠાવ્યો હતો અને જેનેવામાં યુએનની ઓફિસની બહાર જ પ્રદર્શન શરૂ કરી દીધુ હતું જેને પગલે માનવ અિધકારોની વાતો કરનારા પાકિસ્તાન ભોઢુ પડયું હતું.
કોંગ્રેસના પ્રવક્તા રાગીણી નાઇકે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર કાશ્મીર મામલે પાક.ને જવાબ આપવા જે મુદ્દા ઉઠાવવા જોઇએ તેને લઇને સક્ષમ છે અને કોંગ્રેસ આ મામલે તેની સાથે છે. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે જો પાકિસ્તાન ભારતના વડા પ્રધાનને હિટલર કહેતા હોય તો તેનો અમે વિરોધ કરીએ છીએ. સાથે તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીર મામલાને આંતરરાષ્ટ્રીય સ્તરે ચગાવવા માગે છે કે જેથી તે ભારતને બદનામ કરી શકે જોકે અમે આમ નહીં થવા દઇએ અને તેનો વિરોધ કરીશું. સાથે જ રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે પણ પાકિસ્તાનની ટીકા કરી હતી, રાહુલ ગાંધીના નિવેદનને પાકિસ્તાને પોતાના હિતો માટે ઉપયોગ કર્યું હતું જેની પણ કોંગ્રેસે ટીકા કરી હતી.
સાથે વર્તમાન સરકારના કાશ્મીર અને પાકિસ્તાનને લઇને વખાણ પણ કર્યા હતા અને કહ્યું હતું કે પાકિસ્તાનને આકરો જવાબ આપવા માટે મોદી સરકાર સક્ષમ છે અને અમે તેની સાથે છીએ.
સંયુક્ત રાષ્ટ્રમાં માનવ અિધકારને લઇને 42મું અધિવેશન ચાલી રહ્યું છે, જેમાં દરેક દેશ દ્વારા પોત પોતાની રીતે રજુઆતો કરવામાં આવી રહી છે. પાકિસ્તાન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર અધિવેશનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો જેનો ભારતે આક્રામક રીતે જવાબ પણ આપ્યો હતો. અને જણાવ્યું હતું કે કાશ્મીરીઓના માનવ અધિકારોના રક્ષણ અને વિકાસ માટે જ આર્ટિકલ 370 હટાવવામાં આવી છે.
ભારતે સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર આયોગમાં ભારતે જવાબ આપતા કહ્યું કે કાશ્મીરમાં જે પણ પ્રતિબંધો લગાવવામાં આવ્યા તે સુરક્ષાને ધ્યાનમાં રાખીને લગાવાઇ છે. અને તેમાં ઘણે અંશે છુટછાટો પણ આપવામાં આવી છે.
આ પહેલા મંગળવારે ભારતે ચીની વિદેશ પ્રધાન વાંગ યીની ઇસ્લામાબાદની મુલાકાતને લઇને જારી પાકિસ્તાન ચીન સંયુક્ત નિવેદનમાં જમ્મુ કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો જે અંગે વાંધો ઉઠાવ્યો હતો.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પીઓકેમાં પાકિસ્તાન અને ચીન વચ્ચેના બિઝનેસ કોરિડોર અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. અને જણાવ્યું હતું કે આ સીધી ભારતના વિસ્તારમાં એક પ્રકારની દરમિયાનગીરી જ છે. વિદેશ મંત્રાલયના સચિવ વિજય ઠાકુરે સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું કે અમારી સરકાર કાશ્મીરમાં એવી નીતીઓ લાગુ કરી રહી છે કે જેનાથી રાજ્યનો વિકાસ નિશ્ચિત છે.
અમારે ત્યાં આઝાદ ન્યાયાલય અને આઝાદ મીડિયા રાજ્યના માનવ અિધકારો માટે પણ કામ કરી રહ્યા છે. અમે જે બદલાવ કર્યા છે તેનાથી જમ્મુ કાશ્મીરમાં પણ પ્રગતીશીલ નીતીઓને લાગુ કરી શકાશે. જ્યારે ભારતના સંયુક્ત રાષ્ટ્રમા કાયમી સભ્ય સૈયદ અકબરૂદ્દીને સિક્યોરિટી કાઉન્સિલની ચર્ચામાં જણાવ્યું હતું કે ભારત દેશ અને વિશ્વની શાંતિ માટે કટિબદ્ધ છે અને તે દિશામાં કામ કરી રહ્યું છે.
કાશ્મીરમાં આતંકીઓની ધમકીને પગલે હવે કેન્દ્ર સરકાર રાજ્યના સ્થાનિક ખેડૂતોની શાકભાજીની ખરીદી કરશે. સાથે જ જે પણ ખેડૂતોની પાસેથી શાકભાજીની ખરીદી કરવામાં આવશે તેના ખાતામાં સીધા પૈસા જમા કરાવવામાં આવશે.
સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરને મળેલા વિશેષ દરજ્જાને ખતમ કરવામાં આવ્યો તે બાદ આતંકીઓ દ્વારા ધાકધમકીઓ મળી રહી છે અને સ્થાનિક ખેડૂતો પાસેથી કોઇ પણ વ્યક્તિ ખરીદી કરશે તો તેના પર હુમલો કરવામાં આવશે તેવી પણ ધમકીઓ આપી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે હવે એવા અહેવાલો છે કે કેન્દ્ર સરકાર સીધા ખેડૂતો પાસેથી જ બધી વસ્તુઓની ખરીદી કરશે અને તેને યોગ્ય વળતર પણ આપવામાં આવશે.
સાથે જ આવા ખેડૂતોને તેની મહેનતના પૈસા સીધા ખાતામા જમા કરી આપવામાં આવશે. કાશ્મીરમાં ખાસ કરીને સફરજન જેવા ફળોનું ઉત્પાદન થાય છે જેનો અન્ય રાજ્યોમાં સારો ભાવ મળી રહ્યો છે. તેથી હવે કાશ્મીરમાં વધુ પ્રમાણમાં લોકો સફરજન ખરીદતા થાય તે માટે સરકાર ખેડૂતોને મદદ કરશે.

