ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી આમ તો ઘણી વખત વિવાદમાં આવતા રહે છે. તો હવે નવો વિવાદ સામે આવ્યો છે. હાલ ગીર નેશનલ પાર્કમાં વનરાજોનું વેકેશન ચાલી રહ્યું છે. અને 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે અભયારણ્યમાં જવા પર પ્રતિબંધ હોય છે. તેવામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી પ્રતિબંધિત વિસ્તારમાં જઈ આવ્યા હોવાના આક્ષેપો થયા છે. એટલું જ નહીં તેમણે ગીર અભયારણ્યમાં જાતે જીપ પણ ચલાવી. અને આ ફોટા વાઘાણીએ પોતે જ ફેસબૂકમાં પોસ્ટ કર્યા છે. ત્યારે ઘણા સવાલો ઉઠે છે. શું ભાજપના નેતા જીતુ વાઘાણીને કોઈ કાયદા નથી નડતાં. શું વન વિભાગ વાઘાણી સામે મૂજરો કરી રહ્યું છે. વન વિભાગે પોતે જ વાઘાણીને ખુશ કરવા કાયદા નેવે મૂકી દીધા. સામાન્ય વ્યક્તિ જો અભયારણ્યમાં પ્રતિબંધિત વિસ્તારમાં દેખાય તો વનવિભાગ આકરો દંડ વસૂલે છે. પરંતુ શું જિતુ વાઘાણી ભાજપના નેતા છે તેથી તેમને છૂટો દોરી આપી દીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આવા અનેક સવાલો આ તસવીરો પરથી ઉઠી રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો ગીરના જંગલનો ફોટો વાયરલ થયા બાદ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આકરા પ્રહારો કર્યા છે. મનીષ દોશીએ પ્રહારો કરતા જણાવ્યું કે બીજેપીના પ્રદેશ અધ્યક્ષે નિયમને નેવે મુક્યા હોય તેવી રીતે ગેરકાયદેસર રીતે ગીરના જંગલમાં સિંહ દર્શન કરી રહ્યા છે. પોતે જે જીપ ચલાવીને જઈ રહ્યા છે તેમાં ક્યાંય સીટ બેલ્ટ નથી. એટલે જીતુ વાઘાણી એવો સંદેશ આપવા માંગે છે કે હું સત્તાધારી પાર્ટીનો માણસ છું અને વગ ધરાવતો નેતા છુ એટલે મારે કોઈ નિયમ લાગુ ન પડે.

