શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે પહેલીવાર મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદની કમાન સંભાળવા જઈ રહ્યાં છે. શિવાજી પાર્કમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં શપથ ગ્રહણ કરશે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં સાથી પક્ષ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ સોનિયા ગાંધી આ કાર્યક્રમમાં હાજર નહીં રહે.
આદિત્ય ઠાકરેએ ગઈ કાલે બુધવારે દિલ્હી જઈને સોનિયા ગાંધીને આ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું. આદિત્ય ઠાકરેએ આ દરમિયાન મનમોહન સિંહને પણ આમંત્રણ આપ્યું હતું. પરંતુ સોનિયા ગાંધીએ આ કાર્યક્રમમાં આવવાનો ઈનકાર કર્યો છે.
સોનિયા ગાંધીએ આ કાર્યક્રમમાં હાજરી ના આપવાને લઈને કારણ આગળ ધરતા કહ્યું છે કે, દેશ ભાજપના અપ્રત્યાશિત ખતરામાં છે. મને અફશોસ છે કે હું શપથ ગ્રહણ સમારોહમાં શામેલ થઈ શકીશ નહીં.
સોનિયા ગાંધીએ પોતાના આ પત્રમાં લખ્યું છે કે, ગઈ કાલે આદિત્યએ મને રૂબરૂ મળીને મુંબઈમાં આયોજીત થનારા તમારા (ઉદ્ધવ ઠાકરે)ના શપથ ગ્રહણમાં શામેલ થવાનું મને આમંત્રણ આપ્યું હતું. મને ખેદ છે કે હું આ કાર્યક્રમમાં આવી શકીશ નહીં.
સોનિયા ગાંધી ઉપરાંત રાહુલ ગાંધી પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. જોકે તેમણે ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના ભારે વખાણ કર્યા છે.

