ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે શપથ લઇ લીધા છે. મુંબઈના શિવાજી પાર્ક ખાતે આયોજિત ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપીની “મહા વિકાસ આઘાડી”ના નેતાના રૂપમાં ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા. ઉદ્ધવ ઠાકરેની સાથે સાથે એકનાથ શિંદે,સુભાષ દેસાઈ,જયંત પાટીલ,છગન ભૂજબળ અને બાલાસાહેબ થોરાટ તથા નીતિન રાઉતે શપથ લીધા હતા.
ત્રણ પાર્ટીઓના ગઠબંધનને “મહારાષ્ટ્ર વિકાસ અઘાડી”નામ આપવામાં આવ્યું છે. ત્રણે દળ વચ્ચે ઘણી બેઠકો બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે ઉદ્ધવ ઠાકરે હશે અને એક ડેપ્યુટી સીએમ હશે જે એનસીપીનો હશે. આ સિવાય કોંગ્રેસને સ્પીકર પદ આપવામાં આવશે. પરંતુ આ અંગે હજુ ડેપ્યુટી સીએમ અને સ્પીકરનું નામ નક્કી કરવામાં આવ્યું નથી.
CP નેતા અજિત પવારને પણ ડેપ્યુટી સીએમ પદ મળી શકે તેવી સંભાવના છે. અજિત પવારે ભાજપ સરકારમાં ડેપ્યુટી સીએમ પદે શપથ લીધા હતા અને ત્યારબાદ રાજીનામુ આપીને ફરી પાછા એનસીપીમાં આવી ગયા હતા.
શિવાજી મહારાજને નમન કરતા મરાઠી ભાષામાં ઉદ્ધવ ઠાકરે શપથ લીધા હતા અને તેઓ ઠાકરે પરિવારથી પહેલા મુખ્યમંત્રી છે. ઉદ્ધવ ઠાકરે બાદ કેબિનેટના મંત્રીઓએ પણ શપથ લીધા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઉદ્ધવ ઠાકરેને ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.

