મેસીનો અનોખો રેકોર્ડ, 34 ટીમો વિરુદ્ધ ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો

ખેલ-જગત મુખ્ય સમાચાર

બાર્સેલોનાના સ્ટ્રાઈકર લિયોનલ મેસી ચેમ્પિયન્સ લીગમાં 34 અલગ અલગ ટીમો વિરુદ્ધ ગોલ કરનાર દુનિયાનો સૌપ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે બુધવારની રમતમાં ડોર્ટમંડ વિરુદ્ધ ગોલ ફટકારીને આ વિક્રમ રચ્યો હતો. અગાઉ પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને સ્પેનના રાઉલે 33 ટીમો સામે ગોલ ફટકારીને આ ઉપલબ્ધિ પોતાના નામે કરી હતી. જો કે મેસીના સંખ્યાબંધ રેકોર્ડની સાથે હવે તેની રેકોર્ડ બુકમાં આ એક નવો અધ્યાય ઉમેરાયો છે.

બાર્સેલનોનાએ ચેમ્પિયન્સ લીગના બુધવાર રમાયેલા મુકાબલામાં બોરુસિયા ડોર્ટમંડને 3-1થી પછાડ્યું હતું. મેચનો પ્રથમ ગોલ બાર્સેલોનાના લુઈસ સુઆરેઝે 29મી મિનિટમાં કર્યો હતો. ત્યારબાદ મેસીએ 33મી મિનિટમાં અને એન્ટિનો ગ્રિઝમને 67મી મિનિટમાં ગોલ કરીને વિજય મેળવ્યો હતો. ડોર્ટમંડ તરફથી એકમાત્ર ગોલ જાદોન સાંચોએ મેચની 77મી મિનિટે ફટકાર્યો હતો.

બાર્સેલોના ગ્રૂપમાં સૌથી ટોચે પહોંચ્યું

મેસીએ બાર્સેલોના તરફથી આ 700મી મેચ રમી હતી. તેણે સ્પેનિસ ક્લબ માટે અત્યાર સુધીમાં 613 ગોલ ફટકાર્યા છે. હાલ રમાઈ રહેલી ચેમ્પિયન્સ લીગમાં બાર્સેલોના પોતાના ગ્રૂપમાં એફમાં 11 પોઈન્ટ સાથે ટોચના સ્થાને પહોંચી ગયું છે.