શ્રીલંકામાં ફરી ઍલર્ટ, વિસ્ફોટક ભરેલી ટ્રક શહેરમાં દાખલ થયાની માહિતી

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ બ્લાસ્ટ મુદ્દે તપાસમાં જાણવા મળ્યું કે બ્લાસ્ટ અંગે અગાઉથી જ ચેતવણી આપવામાં આવી હતી પરંતુ સરકાર તરફથી કોઈ પગલાં ન લેવાતાં હોબાળો મચ્યો છે. રિપોર્ટમાં જાણવા મળ્યું કે તપાસ એજન્સી ઘણા સમયથી તૌહીદ જમાત જેહાદી સંગઠનની હિલચાલ પર નજર રાખી રહ્યું હતું અને આવા હુમલા અંગે પોલીસને આશંકા પણ વ્યક્ત કરી હતી. બ્લાસ્ટમાં જીવ ગુમાવનારાઓના સામૂહિક અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. સમગ્ર દેશમાં ત્રણ મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. તેમજ અણબનાવ ન બને એટલા માટે કટોકટી લાદી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ હુમલામાં અત્યારસુધી 310 લોકોનાં મોત થયાં છે. યુનિસેફના પ્રવક્તા ક્રિસ્ટોફે બોલીરેકનો હવાલો આપી સમાચાર એજન્સી રોઇટર્સે જણાવ્યું કે શ્રીલંકાના બૉમ્બ બ્લાસ્ટના મૃતકોમાં 45 બાળકો પણ છે. કોલંબો સ્થિત બીબીસી તમિલના સંવાદદાતાએ પોલીસના હવાલાથી જણાવ્યું કે વિસ્ફોટકથી ભરેલી એક લારી અને ટ્રક શહેરમાં દાખલ થયાં છે. કોલંબોની જનતા અને તમામ પોલીસ સ્ટેશનને ઍલર્ટ કરી દેવામાં આવ્યાં છે. રાષ્ટ્રપતિ સિરીસેનાના સલાહકાર શિરાલ લકથિલાકાએ બીબીસીને કહ્યું કે સરકાર તરફથી કોઈ ચૂક થઈ છે કે નહીં તે અંગે જાણ થશે. આ પહેલાં શ્રીલંકાના એક વરિષ્ઠ મંત્રી રજિત સેનારત્નેએ કોલંબો ખાતે પત્રકારોને કહ્યું કે આંતરરાષ્ટ્રીય જાસૂસી એજન્સીએ આવા હુમલા અંગે અગાઉથી સચેત કર્યા હતા પરંતુ આ સૂચના વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે સુધી પહોંચી નહોતી. પોલીસ અનુસાર 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે પરંતુ હુમલા પાછળ કોનો હાથ છે એ બહાર નથી આવી શક્યું. ધરપકડ કરાયેલા માત્ર નવ લોકોને કોર્ટમાં હાજર કરાયા હતા, જેઓ વેલ્લમપટ્ટીની એક ફેક્ટરીમાં કામ કરતા હતા. અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્ફોટો કોઈ આંતરરાષ્ટ્રીય નેટવર્કની મદદથી કરાવવામાં આવ્યા છે. સરકારે આ અંગે સ્થાનિક ઉગ્રવાદી સંગઠન નેશનલ તૌહીદ જમાતનું નામ લીધું છે. જોકે, હજી સુધી કોઈએ આ હુમલાઓની જવાબદારી સ્વીકારી નથી. અગાઉ આજે શ્રીલંકાના કોલંબોમાં એક ચર્ચની બહાર વધુ એક બૉમ્બ વિસ્ફોટ થયો છે. સૅન્ટ એન્થની ચર્ચની બહાર એક શંકાસ્પદ વાનમાં આ વિસ્ફોટ થયો હોવાની માહિતી મળી છે. વિસ્ફોટ પછી લોકો દહેશતમાં ભાગતા જોવા મળ્યા. રવિવારે થયેલા બૉમ્બ વિસ્ફોટમાં આ જ ચર્ચને નિશાન બનાવવામાં આવ્યું હતું. સત્તાધિકારીઓએ ઘટનાસ્થળ નજીક હાજર બીબીસી તમિલ સેવાના કન્ટ્રિબ્યૂટરને બૉમ્બ ડિફ્યૂઝ કરનારી ટીમે જ આ બ્લાસ્ટ કર્યો હોવાની માહિતી આપી છે.