ઈમરાન ખાન 14 ઓગસ્ટે POKની મુલાકાતે, વિધાનસભામાં સંબોધન કરશે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પાક અધિકૃત કશ્મીર(POK)માં પાકિસ્તાન ફરી એક ભકડાવ પગલુ ભરવા જઇ રહ્યું છે. પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ 14 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન POKની મુલાકાત લેવાના છે. ઈમરાન ખાન POKની રાજધાની મુઝ્ઝફરબાદમાં ત્યાંની વિધાનસભાને સંબોધન કરશે. આ સમયે પાકિસ્તાને POKમાં અલગાવવાદીઓના સમર્થનમાં રેલીનું આયોજન કર્યું છે.

ઈમરાનની આ મુલાકાતમાં POKમાં કશ્મીરી લોકોના સમર્થનમાં રેલી કાઢવામાં આવશે. પાકિસ્તાન સરકારે 15 ઓગસ્ટના દિવસને કાળા દિવસ તરીકે મનાવવાનું એલાન કર્યું છે. આ દિવસ ભારતનો સ્વતંત્રતાનો દિવસ છે. POKના મુઝ્ઝફરાબાદમાં ભારત વિરોધી રેલીનું પણ આયોજન કર્યું છે. આ રેલીમાં બુરહાન વાની અને યાસીન મલિકના સમર્થનમાં પણ સુત્રોચ્ચાર થવાની સંભાવના છે.

પાકિસ્તાન POKને ‘આઝાદ જમ્મુ અને કશ્મીર’ કહે છે. એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઈમરાનની સાથે ઘણા મંત્રીઓ પણ ‘આઝાદ જમ્મુ અને કશ્મીર’ની રાજધાનીએ જશે. પાકિસ્તાનના વડાપ્રધાન ત્યાં સર્વ પક્ષીય બેઠકમાં ભાગ લેશે અને ત્યાંની વિધાનસભાને સંબોધન કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઈમરાન જુદી-જુદી રાજકીય પાર્ટીઓના નેતાઓ સાથે અલગ અલગ મુલાકાત કરશે.

પાકિસ્તાન પહેલાં જ કહી ચૂક્યું છે કે, ભારત તરફથી જમ્મુ-કશ્મીરના વિશેષ દરજ્જામાં બદલાવ વિરૂદ્ધ તે 14 ઑગસ્ટે પોતાના સ્વતંત્રતા દિવસ ‘કશ્મીર એકજુટતા દિવસ’ અને ભારતીય સ્વાધિનતા દિવસ (15 ઓગસ્ટ)ને ‘કાળા દિવસ’ તરીકે ઉજવશે. પાકિસ્તાનની સરકારે ‘કશ્મીર એકજુટતા દિવસ’ના માટે એક વિશેષ લોગો પણ તૈયાર કર્યો છે, જેના પર ‘કશ્મીર બનશે પાકિસ્તાન’ સૂત્ર પણ લખ્યું છે.