નવા ટ્રાફિક નિયમોને ગુજરાતમાં લાગુ કરવા અંગે સીએમ રૂપાણીએ બોલાવી બેઠક

ગુજરાત

તાજેતરમાં કેન્દ્ર સરકારે નવા ટ્રાફિક નિયમન બિલને લાગુ કરી દંડની રકમમાં ઘણો વધારો કર્યો છે. ત્યારે ગુજરાતમાં આ નિયમ લાગુ કરવો કે નહીં તેના માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના વાહનવ્યવહાર પ્રધાન, ટ્રાન્સપોર્ટ વિભાગના સચિવ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ નવા ટ્રાફિક નિયમન બિલ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હજુ સુધી આ બિલ લાગુ કરવામાં આવ્યું નથી. જ્યારે કે દેશના અન્ય રાજ્યોમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યા છે. જો કે સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ બેઠકમાં મુખ્યપ્રધાન ગુજરાતમાં કેવા પ્રકારના ટ્રાફિકના નિયમ માટે કેવો દંડ છે તેની સંપૂર્ણ જાણકારી હાંસલ કરશે. તદુપરાંત મોટર વિહિકલ એક્ટને ગુજરાતમાં કેવી રીતે અમલી બનાવી શકાય તે અંગે પણ ચર્ચા કરશે.