રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડુતો ચિંતાતુર, પાક પલળી જતા મોટુ નુકશાન

ગુજરાત મુખ્ય સમાચાર

રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગત મોડી રાત્રીએ ગાજવીજ સાથે કમોસમી વરસાદે આગમન કર્યું. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે કારણકે તેમનો ઉભો પાક પણ પલળી ગયો છે.

લોકડાઉનને કારણે તેમણે સંગ્રહ કરેલું અનાજ પણ વેચાઈ નથી રહ્યું. જેથી ખેડૂતોની પણ માગ છે, કે સરકાર આ સમયે તેમના માટે પણ વિશેષ સહાયની જાહેરાત કરે.

ડીસા પાલનપુર સહિત વિવધ વિસ્તારોમાં કમોસમી વરસાદ

અરવલ્લી પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મોડાસા પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થતા ઘઉં, ચણા, જીરૂ, વરિયાળીના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. સમગ્ર અરવલ્લી પંથકમાં કમોસમી વરસાદથી ઉભો પાક પલળી જતા ખેડૂતો ચિંતિત છે.

સાપુતારામાં છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવેલો છે. અહીયા ચોમાસા જેવો માહોલ માર્ચ મહિનામાં જોવા મળી રહ્યો છે. શુક્રવારે સવારે ગિરિકન્દ્રામાં પણ ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી. જેથી અદ્દભૂત દ્રશ્યો સર્જાયા હતા.

અરવલ્લી પંથક, સાપુતારા, મોડાસા પંથક સહિત નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ

નસવાડી તાલુકામાં બરફના કરા સાથે વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતો સાથે સીસીઆઈને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. સીસીઆઈએ ખરીદી કરેલો કપાસ પલળી ગયો.

સીસીઆઈએ 32 હજાર ક્વિન્ટલ અને 700 રૂપિયા પ્રતિ નંગથી ખરીદેલી ગાસડીઓ જીનમાં પડી હતી. તે પલળી ગઈ છે..પાણીનો નિકાલ કરવા રોજમદારો કર્મચારીઓ જોતરાયા છે. આ ઉપરાંત તલ, મકાઈ સહિતનો પાક બગડ્યો છે.