જામિયા યુનિવર્સિટીની બહાર CAAની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો પર ફાયરિંગ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીની બહાર રવિવારે મોડી રાત્રે અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો હતો. જો કે કોઈપણ વ્યક્તિને ઈજા થઈ નથી. જામિયા પાસે નાગરિકતા સુધારણા કાયદા (સીએએ)ની વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યા હતા. સ્કૂટી પર આવેલા હુમલાખોરોએ યુનિવર્સિટીના ગેટ નંબર-5ની પાસે ગોળીબાર કર્યો હતો. પોલીસે સાક્ષીઓના નિવેદનને આધારે એફઆઈઆર દાખલ કરી છે. અગાઉ જામિયા અને શાહીન બાગ વિસ્તારમાં સતત ગોળીબારની ઘટના સામે આવતા ચૂંટણી પંચે રવિવારે રાત્રે ડીસીપી સાઉથ-ઈસ્ટ ચિન્મય બિસ્વાલની બદલી કરી દીધી હતી.

એસીપીએ જણાવ્યું હતું કે, પોલીસની એક ટીમ ઘટનાસ્થળથી સીસીટીવી ફૂટેજ લેવા જશે. ત્યારબાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાક્ષીઓના જણાવ્યા મુજબ, રવિવારે રાત્રે લગભગ 11.30 ક્લાકે બે લોકો આવ્યા હતા. પાછળ બેસેલા વ્યક્તિએ ગેટ નંબર-5ની પાસે સ્કૂટી પરથી ઉભા થઈને ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ હુમલાખોર હોલી ફેમિલી હોસ્પિટલની તરફ ભાગી ગયા હતા. રિપોર્ટ્સ મુજબ, હુમલાખોર લાલ રંગની સ્કૂટી પર સવાર હતા. એક યુવકે લાલ રંગનું જેકેટ પહેર્યું હતું.

અગાઉ 30 જાન્યુઆરીએ એક હુમલાખોરે જામિયા વિસ્તારમાં સીએએની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો પર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ શાહીન બાગ વિસ્તારમાં પણ એક શખ્સે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. વીતેલા ચાર દિવસોમાં પ્રદર્શન સ્થળો પર ગોળીબારની આ ત્રીજી ઘટના છે.