ચીનના શેરબજારમાં 13 વર્ષમાં સૌથી મોટો ઘટાડો, રોકાણકારોને 32 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કોરોના વાયરસની અસરના કારણે ચીનના શેરબજારમાં સોમવારે ભારે વેચવાલી થઈ હતી. શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 7.7 ટકા ઘટીને એક વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે. આ ચાર વર્ષનો સૌથી મોટો ઘટડો છે. 2,500 શેર શેર 10 ટકા ઘટ્યા હતા. શેનજોન કમ્પોઝિટ ઈન્ડેક્સમાં 8.5 ટકા ઘટાડો આવ્યો. આ ઘટાડો 13 વર્ષમાં સૌથી વધુ છે. બંને ઈન્ડેક્સમાં ઘટાડાના કારણે રોકાણકારોના 445 અબજ ડોલર(32 લાખ કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે. ચીનના શેરબજાર રેગ્યુલેટરે કહ્યું છે કે બજારના ઘટાડાથી અસરગ્રસ્ત થયેલી કંપનીઓને 2019ના વાર્ષિક અને 2020ના ત્રિમાસિક પરિણામો જાહેર કરવાના સમયમાં છૂટ આપવામાં આવશે.

કેન્દ્રીય બેન્કે સિસ્ટમમાં 12 લાખ કરોડ રૂપિયા વધાર્યા, છતાં પણ કરન્સીમાં ઘટાડો

ચીનની કરન્સીમાં સોમવારે ઝડપી ઘટાડો આવ્યો. જ્યારે કરન્સી યુઆન 1.5 ટકા ઘટીને 7 યુઆન પ્રતિ ડોલર થઈ ગઈ. ચીનની કેન્દ્રીય બેન્કે સિસ્ટમમાં કેશ વધારીને ઘટાડાને રોકવાની કોશિશ કરી, પરંતુ તેની કોઈ અસર ન થઈ. સેન્ટ્રલ બેન્કે રવિવારે કહ્યું હતું કે શોર્ટ ટર્મ બોન્ડની ખરીદી દ્વારા બેન્કિંગ સિસ્ટમમાં 173 અબજ ડોલર(12.36 લાખ કરોડ રૂપિયા)ની રકમ મૂકી, જેથી બેન્કોની લોન આપવાની ક્ષમતા વધારી શકાય અને કરન્સી બજાર સ્થિર રહી શકે.

બેન્કોએ વ્યાજ દરો ઘટાડ્યા જેથી પ્રભાવિત લોકોને આર્થિક મુશ્કેલીઓ ન થાય

ચીનમાં નવા વર્ષની રજાઓ બાદ શેરબજારમાં સોમવાર કારોબારનો પ્રથમ દિવસ હતો. જોકે શુક્રવારે બજાર ખુલવાનું હતું. જોકે સરકારે રજાઓ વધારી દીધી હતી. ચીનમાં કોરોના વાયરસના ઈન્ફેક્શનના 17 હજારથી વધુ કેસો પ્રકાશમાં આવ્યા છે. કેન્દ્રીય અને સ્થાનિક સરકારો દર્દીઓના ઈલાજ અને મેડિકલ ઉપકરણો પર ખર્ચ કરવા માટે અત્યાર સુધીમાં 12.6 અબજ ડોલર(90 હજાર કરોડ રૂપિયા)ની રકમ ઈસ્યુ કરી ચૂકી છે. ઈકોનોમિ પર કોરોના વાયરસની અસર ઘટડવા માટે સરકાર ઘણા પગલાઓ ઉઠાવી રહી છે. વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં મુખ્ય બેન્કો લોનના દરો ઘટાડી રહી છે. જેથી લોકોને આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. બેન્ક ઓફ ચાઈનાએ કહ્યું છે કે લોકોની રોજગારી છીનવાય છે તો તેમને લોનની ચુકવણીમાં હાલ રાહત આપતા વધુ સમય આપવામાં આવશે.

ઈકોનોમિઃ ત્રણ મહિનામાં 2.29 લાખ કરોડ રૂપિયાના નુકસાનની શકયતા

ગત વર્ષે ટ્રેડ વોરનું નુકસાન સહન કરી ચૂકેલી ચીનની અર્થવ્યવસ્થાને નવા વર્ષમાં કોરોનાવાયરસે જોખમમાં મૂકી છે. આર્થિક ગતિવિધિઓ ઝડપથી ઘટી રહી છે. કંપનીઓએ પ્રોડક્શન બંધ કરવું પડી રહ્યું છે. અમેરિકાની કંપની એપલે ગત સપ્તાહમાં ચીનમાં પોતાના 42 સ્ટોર્સ 9 ફેબ્રુઆરી સુધી બંધ કરવાની જાહેરાત કરી હતી. ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાએ પણ શંઘાઈનો નવો પ્લાન્ટ અસ્થાઈ રૂપથી બંધ કર્યો છે. કોરોના વાયરસની અસરથી કેટલું આર્થિક નુકસાન થશે, તે અંગે હાલ કઈ પણ અનુમાન લગાવવું મુશ્કેલ છે. જોકે કેટલાક અર્થશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ ચાલુ ત્રિમાસિકમાં ચીનના GDP ગ્રોથમાં 2 ટકા ઘટાડો આવી શકે છે. જો આમ થયું તો જીડીપીને 62 અબજ ડોલર(2.29 લાખ કરોડ રૂપિયા)નું નુકસાન થશે. અમેરિકા સાથેના ટ્રેડ વોરની અસરના કારણે ગત વર્ષે ચીનનો GDP ગ્રોથ માત્ર 6.1 ટકા જ રહ્યો. તે 29 વર્ષમાં સૌથી ઓછો છે.

બેરોજગારી દર રેકોર્ડ સ્તરે પહોંચવાનું જોખમ

ચીનના અર્થશાસ્ત્રી ઝાંગ મિંગનું કહેવું છે કે અર્થવ્યવસ્થામાં સુસ્તીના કારણે રોજગારની સ્થિતિ પહેલેથી જ ખરાબ છે. કોરોના વાયરસની અસરથી સ્થિતિ વધુ બગડશે. ફેકટરીઓ બંધ થવાથી લોકોને રોજગાર મેળવવામાં ખૂબ જ મુશ્કેલી થશે. હુબેઈ પ્રાંતના એક કરોડથી વધુ કામદારોને રોજગાર ગુમાવવો પડી શકે છે, કારણ કે હુબેઈમાં કોરોના વાયરસની અસર સૌથી વધુ થવાના કારણે અહીંના લોકોથી વધુ ઈન્ફેક્શન લાગવાનું જોખમ છે. ઝાંગના જણાવ્યા મુજબ થોડા મહિનામાં ચીનમાં બેરોજગારી દર રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે. સામાન્ય રીતે તે 4 ટકાથી 5 ટકાની વચ્ચે રહી શકે છે. શાકભાજી પહેલેથી જ મોંઘા થઈ ચૂક્યા છે, આવનારા દિવસોમાં રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ વધુ મોંઘી થવાનો ખતરો છે.