કેરળમાં ત્રીજો પોઝિટિવ કેસ નોંધાયો, બંગાળમાં 8 શંકાસ્પદ દર્દીઓની ઓળખ, ચીનમાં અત્યાર સુધી 361ના મોત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

બંગાળ સરકારે રવિવારે કોરોના વાઈરસથી પ્રભાવિત 8 શંકાસ્પદ દર્દીઓની ઓળખ કરી છે. આ દરેક લોકો 23 જાન્યુઆરીએ ચીનથી તે જ ફ્લાઈટમાં આવ્યા હતા, જેમાં કેરળના વિદ્યાર્થીઓ આવ્યા હતા. તેમની સીટ કેરળના વિદ્યાર્થીઓની સીટની આસપાસ જ હતી. કેરળમાં 30 જાન્યુઆરીએ પહલો અને 2 જાન્યુઆરીએ બીજો અને આજે ત્રીજો પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યો છે. અગાઉ જે બે કેસ પોઝિટિવ આવ્યા તેમની સારવાર ત્રિશુર અને અલાપુઝા હોસ્પિટલમાં ચાલી રહી છે. કેરળમાં 1793 લોકોને તેમના ઘરમાં જ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ચીનમાં વુહાન સહિત અન્ય શહેરોમાં ફસાયેલા 647 ભારતીયોને એરલિફ્ટ કરી લેવામાં આવ્યા છે. જ્યારે ચીનમાં કોરોના વાઈરસથી અત્યાર સુધી 361 લોકોના મોત થયા છે.

હુબેઈમાં 24 કલાકમાં 56 લોકોના મોત
ચીનના ઓફિશિયલ સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે હુબઈ શહેરમાં 24 કલાકમાં 56 લોકોના મોત થયા છે, જ્યારે 2,103 કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. આમ હવે ચીનમાં કુલ 16,600 કેસ નોંધવામાં આવ્યા છે. તેમાં 9,618 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 478 લોકોની સ્થિતિ ગંભીર છે.

અમેરિકામાં અત્યાર સુધી 9 ઈન્ફેક્શનના કેસ સામે આવ્યા છે. કેલિફોર્નિયામાં ચાર, ઈલિનોએસ અને મૈસાચુસેટ્સમાં 2-2, વોશિંગ્ટન અને ઓરિજોનામાં 1-1 કેસ નોંધાયા છે. સ્પુતનિક ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે રશિયાના રેલવે વિભાગે જણાવ્યું કે, 3 ફેબ્રુઆરીએ કોરોના વાઈરસના કારણે ચીન જતી પેસેન્જર ટ્રેન સેવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

ભારતે તેમના નાગરિકોને ચીનમાથી બહાર કાઢ્યા
ભારતે ચીનમાં ફસાયેલા તેમના નાગરિકોને બહાર કાઢી દીધા છે. રવિવારે 330 લોકોને એર ઈન્ડિયાના સ્પેશિયલ વિમાનથી દિલ્હી લાવવામાં આવ્યા છે. તેમાં માલદીવના પણ 7 નાગરિકો હતા. જ્યારે શનિવારે 324 નાગરિકોને વુહાનથી દિલ્હી લાવવામાં આવ્યા છે. દરેકને દિલ્હીની છાવલામાં આવેલા આઈટીબીપી સેન્ટર અને સેના દ્વારા માનેસરમાં તૈયાર કરવામાં આવેલી શિબિરમાં 14 દિવસ સુધી રાખવામાં આવશે.

હવે શંકાસ્પદ લોકોને અલવર શિફ્ટ કરવાની તૈયારી
ચીનથી લાવવામાં આવેલા શંકાસ્પદ 300 દર્દીઓને ઈએસઆઈસી હોસ્પિટલમાં શિફ્ટ કરવા માટે કેન્દ્રના આદેશ પછી તૈયારીઓ કરવામાં આવી રહી છે. 220 કરતાં વધારે લોકોનો સ્ટાફ 82 કલાકથી સતત કામ કરી રહ્યા છે. રવિવારે મોડી રાત સુધી કામ ચાલુ હતું અને બે બિલ્ડિંગ સંપૂર્ણ તૈયાર કરી દેવામાં આવી છે. દર્દીઓ માટે બેડ, વીજળી, પાણી, ખાવા-પીવાની વ્યવસ્થાથી લઈને ટીવી, વાઈ-ફાઈ, સ્ટડી સેટ અપથી લઈને કેટરિંગ સુધીની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જયપુર, જોધપુર, પાલી, ઉદેપુર સહિત સમગ્ર રાજસ્થાનથી અહીં ડોક્ટર્સ, નર્સિંગ, ફાર્માસિસ્ટ અને પેરામેડિકલ સ્ટાફને કામે લગાવવામાં આવ્યો છે.

જે બિલ્ડિંગમાં હોસ્પિટલ બની તે 2 વર્ષથી બંધ હતી
ઈએસઆઈનું આ બિલ્ડિંગ 2014માં તૈયાર કરવામાં આવ્યું હતું પરંતુ ઓડિટોરિયમ અને સ્ટેડિયમ તૈયાર થયું ન હોવાથી માર્ચ 2018માં જ તે શરૂ કરવામાં આવ્યું. જે ગર્લ્સ-બોયઝ હોસ્ટેલ તૈયાર કરવામાં આવી હતી તે છેલ્લા બે વર્ષથી બંધ હતી. પાંચ દિવસ પહેલાં જ તેને ખોલવામાં આવી છે. ગર્લ્સ હોસ્ટેલના 10 ફ્લોરમાં આ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. કુલ 96 રૂમમાં 288 લોકોની વ્યવસ્થા કરવામાં આવી છે. શંકાસ્પદ દર્દીઓને 28 દિવસ માટે આ હોસ્પિટલમાં રાખવામાં આવશે.