અમેરિકાનો ભારતને ઝાટકો આપી આપ્યો પાકિસ્તાનને સાથ, કાશ્મીર મામલે કર્યો ધડાકો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

પાંચમી ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટિકલ 370ની નાબૂદી બાદ પહેલીવાર અમેરિકી સંસદે કાશ્મીર મામલામાં હસ્તક્ષેપ કરતાં કાશ્મીરની સ્થિતિને માનવીય કટોકટી ગણાવી તાત્કાલિક અંત લાવવાની માગ કરી છે. અમેરિકી સંસદના ઉપલા ગૃહ ગણાતી સેનેટની વિદેશ મામલાની સમિતિએ વર્ષ 2020 માટેના વિદેશો માટેનો કાયદો ઘડાય તે પહેલાં તેના અહેવાલમાં કાશ્મીરમાં સર્જાયેલી માનવીય કટોકટીનો અંત લાવવાની અપીલ કરી છે. ચાલુ સપ્તાહમાં દિલ્હીની મુલાકાતે આવેલા અમેરિકી સાંસદોના પ્રતિનિધિમંડળમાં સામેલ એવા સેનેટર ક્રિસ વાન હોલેનના પ્રસ્તાવ પર રિપોર્ટમાં સુધારો કરી કાશ્મીર મામલાનો ઉલ્લેખ કરાયો છે.

સેનેટમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં જમ્મુ-કાશ્મીરની હાલની માનવીય કટોકટી અંગે ચિંતાઓ વ્યક્ત કરી ભારત સરકારને જમ્મુ-કાશ્મીરમાં ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બહાલ કરવા કર્ફ્યૂ અને અન્ય પ્રતિબંધાત્મક આદેશો હટાવી લેવા અને અટકાયતમાં રખાયેલા તમામ નાગરિકોને મુક્ત કરવાની અપીલ કરાઈ છે. રિપોર્ટમાં કાશ્મીરની સ્થિતિ અંગે આકરી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ રિપોર્ટ 26મી સપ્ટેમ્બરે સેનેટને સોંપાયો હતો. આ સમયે પીએમ મોદી અમેરિકામાં જ હતા.

અમેરિકી સેનેટની વિદેશ મામલાની આ સમિતિ દ્વારા કાશ્મીર અંગેનો સુધારો સર્વસંમતિથી સ્વીકારી લેવાયો હતો. રિપોર્ટમાં સેનેટે જણાવ્યું છે કે, અમે કાશ્મીરમાં માનવ અધિકારની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યાં છીએ. અમે ઇચ્છીએ છીએ કે, ભારત સરકાર અમારી ચિંતાઓને ગંભીરતાથી લે. હોલેને જણાવ્યું હતું કે, કાશ હું પીએમ મોદી સમક્ષ મારી ચિંતાઓ વ્યક્ત કરી શક્યો હોત પરંતુ મારી તેમની સાથે મુલાકાત શક્ય બની નહોતી.