પીએમ મોદીને યુએઈ અને બહેરિનનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને બહેરીન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન મળતાં પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. અકળાયેલા પાકિસ્તાને ઉપલા ગૃહના સેનેટ અધ્યક્ષ સાદિક સંજરાનીનો યુએઈનો પ્રવાસ રદ કરી દીધો છે. રિપોર્ટ મુજબ યુએઈમાં સેનેટના ચેરમેનોએ 25થી 28 ઓગસ્ટ સુધી જવાનું હતું. તેમની સાથે સંસદીય પ્રતિનિધી મંડળ પણ જવાનું હતું પરંતુ મોદીને સન્માન મળ્યાં બાદ સંજરાનીએ કહ્યું કે આ યાત્રાથી કાશ્મીરના લોકોની લાગણીઓ દુભાશે તેથી તેમને પ્રવાસ રદ કર્યો છે. એ પહેલા પીએમ મોદીને યુએઈનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ઝાયદ’ તેમજ બહેરીનનું ‘ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાં’ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. મનામામાં બહેરીનના કિંગ અહેમદ બિન ઇસા બિન સલમાન અલ ખલીફાએ ભારતની ખાલી દેશો સાથે મિત્રતાને મજબૂત કરવા અને દ્વિપક્ષીય સંબંધો વધારવાની માન્યતા બદલ મોદીને આ એવોર્ડ આપ્યો હતો. પહેલી વખત કોઈ ભારતીય વડાપ્રધાનને આ એવોર્ડ અર્પણ કરાયો છે.

પાકિસ્તાની સેના પ્રમુખે કહ્યું- કોઈપણ હુમલાનો જવાબ આપવા તૈયાર
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવાથી ભારત-પાક. વચ્ચે તણાવ ચાલુ છે. દરમિયાન પાક.ના ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ કમર જાવેદ બાજવાએ કહ્યું કે તેમની સેના ભારતની ગતિવિધી પર નજર રાખી રહી છે અને ભારતના કોઈપણ હુમલાનો જવાબ આપવા તૈયાર છે.

રાહુલ સહિત 11 નેતાને શ્રીનગરથી પાછા મોકલ્યા
અનુચ્છેદ કલમ 370 હટાવ્યા બાદ શનિવારે પહેલીવાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અન્ય વિપક્ષના 11 નેતાઓ સાથે આજે શ્રીનગર ગયા હતા. જોકે એરપોર્ટ પર તેમને રવાના કરી દેવાયા. હવે તેઓ પાછા દિલ્હી ફર્યા છે. 11 નેતાઓને વીવીઆઇપી લોન્જમાં બેસાડવામાં આવ્યા હતા.

કાશ્મીરમાં લોકતાંત્રિક અધિકારોનો ખાતમો દેશવિરોધી: પ્રિયંકા
રાહુલને અટકાવ્યા બાદ પ્રિયંકાએ ટ્વિટ કરી હતી કે કાશ્મીરમાં લોકતાંત્રિક અધિકારો ખતમ કરવાથી વધુ દેશ વિરોધી કશું જ નથી.

મોદી સરકાર નિર્ણય લઈ ફેર વિચાર કરતી નથી: નકવી
લઘુમતીના કાર્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા અંગે જણાવ્યું કે આ કલમ અંગેનો નિર્ણય પાછો ખેંચાશે નહીં. કારણ કે આ મોદી સરકાર છે જે સમજી વિચારીને નિર્ણય કરે છે અને એક વખત નિર્ણય લીધા બાદ પુન: વિચાર કરતી નથી. તેમણે ઉમેર્યું કે મંત્રાલયના અધિકારીઓની એક ટીમ આ સપ્તાહે જમ્મુ કાશ્મીર જાય છે. જે તેમના લઘુમતીઓ સાથે સંકળાયેલી કેન્દ્રીય યોજનાઓના અમલ અંગે તેના વિસ્તારની ઓળખ કરશે.