કોરોના વાઇરસના પગલે શેર બજારમાં ખુવારી: સેન્સેકસ 1700 અંક તૂટ્યો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અમેરિકન બજારોના ઘાટાડાની અસર જોવા મળી
ભારતીય બજાર પર અમેરિકન બજારોના ઘાટાડાની અસર જોવા મળી રહીં છે. બુધવારના રોજ અમેરિકન બજારોમાં ડાઉ જોન્સ 6.30 ટકા ઘટીને બંધ થયો. જોકે, એશિયન બજારોમાં આજે તેજી જોવા મળી રહીં છે. 27 ડિસેમ્બર 2016 બાદ પહેલીવાર નિફ્ટી 8,000 નીચે પહોંચી ગયો છે. કારોબાર દરમિયાન કે 576 પોઇન્ટ ઘટીને 7,832.95 સુધી આવી ગયો છે.

ભારતીય શેર બાજરમાં બુધવારના રોજ પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઇ 29 હજારના મનોવૈજ્ઞાનિક સ્તરને તોડતા 1709.58 પોઇન્ટ નીચે 28,869 પર બંધ થયો, નિફ્ટીની ક્લોજિંગ 425.55 પોઇન્ટ નીચે 8541.50 પર થઇ હતી.


કોરોનાથી બ્રિટિશ પાઉન્ડ પણ બિમાર, ડોલર સામે વર્ષ 1985 પછીના તળિયે
કોરોના વાયરસના સંક્રમણનો માર બ્રિટનના ચલણ પાઉન્ડ પર પડ્યો છે. અમેરિકન ડોલર સામે બ્રિટિશ પાઉન્ડનું મૂલ્ય ગગડીને વર્ષ 1985 પછીના સૌથી નીચા સ્તરે ઉતરી ગયું છે. રોકાણકારો દ્વારા આર્થિક મંદીની દહેશત વચ્ચે સુરક્ષિત રોકાણ તરીકે અમેરિકન ડોલરને પ્રાથમિકતા આપવામાં આવતા બ્રિટિશ પાઉન્ડનું મૂલ્ય ઘટી ગયું છે.

બુધવારના રોજ એક અમેરિકન ડોલર સામે બ્રિટિશ કરન્સીનો એક્સચેન્જ રેટ 1.8 ટકા ઘટીને 1.182 પાઉન્ડ બોલાયો હતો. જે ત્યાર બાદ થોડુંક સુધરીને 1.186 ડોલરના સ્તરે આવી ગયો હતો.

ઉલ્લેખનિય છે કે, ચાન્સેલરે મંગળવારના રોજ બ્રિટિશ અર્થતંત્રને કોરોના વાયરસ સામે ટેકો આપવા માટે 350 અબજ પાઉન્ડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં ડોલર સામે બ્રિટિશ કરન્સી નબળી પડી છે. માર્કેટ્સ ડોટ કોમના એનાલિસ્ટ નેઇલ વિલ્સને કહ્યું કે, બુધવારે અમેરિકન ડોલર સામે બ્રિટિશ પાઉન્ડના મૂલ્યમાં સૌથી મોટો એક દિવસયી ઘટાડો નોંધાયો છે. જો ઓક્ટોબર 2016માં અચાનક આવેલા તીવ્ર ઘટાડાને બાદ કરીયે તો તે વર્ષ 1985 પછીના પોતાના સૌથી નીચલા સ્તરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, રોકાણકારો જોખમથી બચવા માટે બ્રિટિશ પાઉન્ડના બદલે ડોલરમાં રોકાણ કરવાને પ્રાથમિકતા આપી રહ્યા છે, જેના કારણે પાઉન્ડ વધારે નબળો પડ્યો છે.


તરલતા વધારવા RBI ખરીદશે રૂ.10,000 કરોડના સરકારી બોન્ડ
કોરોના વાયરસની મહામારી વધતા હવે ફાઇનાન્સિયલ સેક્ટરને પણ મોટો ફટકો લાગ્યો છે. આ સેક્ટરને બેઠું કરવા માટે RBIએ ઓપન માર્કેટ ઓપરેશન હેઠળ રૂ.10,000 કરોડના બોન્ડ ખરીદવાની જાહેરાત કરી છે. RBIએ કહ્યું કે તેઓ 20 માર્ચના રોજ ઓપન માર્કેટ ઓપરેશન્સ હેઠળ 10,000 કરોડ રૂપિયાની સરકારી જામીનગીરી ખરીદશે. 

ઓપન માર્કેટ ઓપરેશનની કામગીરી એટલે RBI બેન્કોમાં નાણાંકીય તરલતા વધારવા માટે બોન્ડ ખરીદીને તેમને ભંડોળ ઉપલબ્ધ કરાવવાનો છે. RBI એ એક નિવેદનમાં કહ્યું કે, કોરોના વાયરસની મહામારીના લીધે કેટલાંક ફાઇનાન્સિયલ માર્કેટ સેગમેન્ટની નાણાંકીય સ્થિતિ નબળી પડી ગઇ છે. એવામાં આ ઘણું મહત્વપૂર્ણ છે કે લિક્વિડિટી વધારીને તેમને સ્થિરતા આપી શકાય છે. 

ફાઇનાન્સિયલ સેક્ટર પર દબાણને કારણે આજે બધુવારે પણ ભારતીય શેરબજારમાં જંગી કડાકો બોલાયો હતો. સેન્સેક્સ-નિફ્ટી ગગડીને ત્રણ વર્ષના સૌથી નીચલા સ્તરે આવી ગયા છે.  RBIએ કહ્યું કે, બોન્ડની હરાજીના દિવસે જ પરિણામ જાહેર કરાશે અને સફળ બિડરોએ 23 માર્ચે બેન્કિંગ કામકાજના સમયગાળા દરમિયાન પેમેન્ટ કરવાનું રહેશે.


રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીની આવક 60 ટકા ઘટી,10 લાખ લોકો થશે બેરોજગાર
કોરોના વાયરસના કારણે અર્થતંત્રને લાગેલા ઝટકાની અસર હવે અલગ-અલગ સેક્ટરની નોકરીઓ પર પણ પડી રહી છે. આગામી દિવસોમાં રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીમાં 10 લાખ લોકો પોતાની નોકરીઓ ગુમાવી શકે છે. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અનુરાગ કટિયારનુ કહેવુ છે કે, કોરોના વાયરસના કારણે રેસ્ટોરન્ટ બિઝનેસની આવકમાં 60 ટકાનો ઘટાડો થયો છે. ઓનલાઈન ઓર્ડર્સ પણ 20 ટકા સુધી ઘટી ગયા છે.

10 લાખ લોકો નોકરી ગુમાવશે
જેથી આગામી દિવસોમાં આ ઈન્ડસ્ટ્રીમાં 10 લાખ લોકો નોકરી ગુમાવી શકે છે. ઉલ્લેખનીયછે કે, હાલમાં આ સેક્ટરમાં 70 લાખ લોકોને રોજગાર મળે છે. વધુમાં કટિયારનુ કહેવુ છે કે, ઘણી રેસ્ટોરન્ટોએ કર્મચારીઓના પગાર પર કાપ પણ મુક્યો છે. જેથી અમારી માંગણી છે કે, વીજ કંપનીઓ હવે અમને વીજ બિલમાં રાહત આપે.

એરલાઈન્સ ઈન્ડસ્ટ્રી પણ પ્રભાવિત
બીજી તરફ એરલાઈન્સ ઈન્ડસ્ટ્રી પણ પ્રભાવિત થઈ રહી છે. એરલાઈન કંપની Go Air પોતાના તમામ કાર્મચારીઓને વગર પગારની રજા પર ઉતરવા આદેશ આપ્યો છે. જ્યારે એર ઈન્ડિયાએ વિમાનના ક્રુના કર્મચારીઓના એલાઉન્સમાં 10 ટકાનો કાપ મુક્યો છે. પાયલોટોને મળતા એન્ટરટેન્મેન્ટ એલાઉન્સને પણ રદ કરી દેવાયુ છે.