જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદી સફરજનના વેપાર સાથે જોડાયેલા ડ્રાઇવરો અને વેપારીઓ પર નિશાનો સાધી રહ્યાં છે. સોમવારે રાતે અનંતનાગના બિજબેહારામાં આતંકીઓએ કાશ્મીરના ઉધમપુરમાં રહેતા ટ્રક ડ્રાઇવરની ગોળી મારીને હત્યા કરી છે. થોડા કલાકો પહેલાં જ કેટલાક આતંકીઓએ સોપોરના બસ સ્ટેન્ડ પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જેમાં 20 જેટલા લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 6ની હાલત ગંભીર છે.
આતંકીઓના નિશાને કાશ્મીરનો કારોબાર
કાશ્મીરમાં 24મી ઓક્ટોબરે આતંકીઓએ બે ટ્રક ડ્રાઇવરને શોપિયાંમાં ગોળી મારી હત્યા કરી હતી. બંને રાજસ્થાન અને હરિયાણાથી સફરજન લેવા કાશ્મીર ગયા હતા. 16 ઓક્ટોબરે પંજાબના સફરજન વેપારી ચરણજીત સિંહ આતંકી હુમલામાં માર્યા ગયા હતા, જ્યારે એક વેપારી ઘાયલ થયો હતો. ઉપરાંત 14મી ઓક્ટોબરે રાજસ્થાનના ભરતપુરનો એક ડ્રાઇવર આતંકી હુમલાનો શિકાર બન્યો હતો. ઘાટીમાં પોસ્ટપેઇડ મોબાઇલ સેવા પરથી પ્રતિબંધ હટાવ્યા પછી સફરજનની લણણીનું કામ શરૂ કરવામાં આવ્યું છે. એવામાં માનવામાં આવે છે કે, સફરજનના વેપાર સાથે જોડાયેલા લોકોમાં ભયનો માહોલ ફેલાવવા માટે આતંકીઓ કોશિશ કરી રહ્યાં છે.