યુરોપમાં કાળ બન્યો કોરોના: ઈટાલીમાં એક દિવસમાં 475 અને ફ્રાન્સમાં 89ના મોત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

ચીનથી પ્રસરેલા કોરોના વાયરસે દુનિયાના 150થી વધુ દેશોમાં પોતાનું વર્ચસ્વ સ્થાપી દીધું છે. ચીનમાં જન્મેસો વાયરસ યુરોપ માટે કાળમુખો સાબિત થઈ રહ્યો છે. યુરોપનું ઈટાલી કોરોના વાયરસનું કેન્દ્ર બિંદુ બની ગયું છે. ઈટાલીમાં બુધવારના રોજ એક જ દિવસમાં 475 લોકોના મોત નિપજ્યા છે. કોરોનાના કારણે આ અગાઉ કોઈ પણ દેશમાં આજ સુધીમાં એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં મોત નિપજ્યા હોય તેવું નથી બન્યું. 

યુરોપના અન્ય મોટા દેશ ફ્રાન્સમાં પણ કોરોના કારણે એક જ દિવસમાં 89 લોકોના મોત નિપજ્યા છે. બીજી તરફ બ્રિટનમાં પણ મોતનો આંકડો 100ને પાર કરી ચૂક્યો છે. ચીનમાં આ વાયરસ પર લગભગ કાબૂ મેળવી લેવાયો છે. નેશનલ હેલ્થ કમિશનના જણાવ્યા અનુસાર ચીનમાં ઘરેલું સ્તર પર કોઈ પણ નવો કેસ પ્રકાશમાં નથી આવ્યો. 

જાન્યુઆરીમાં કોરોનાની શરૂઆત બાદ પહેલી વખત એવું બન્યું છે કે જ્યારે ચીનમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હોય. જોકે ત્યાં પણ વિદેશથી આવ્યા હોય તેવા લોકોના 34 કેસ પોઝિટિવ આવ્યા છે. એ પણ છેલ્લા બે અઠવાડિયામાં પોઝિટિવ કેસનો સૌથી મોટો આંકડો છે. 

કોરોના વાયરસના વધતા જતા પ્રકોપના કારણે ઈઝરાયલે પણ પોતાના ત્યાં વિદેશની નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઈઝરાયલના વિદેશ મંત્રાલય અનુસાર ક્વોરન્ટાઈન માટે સંમતિ આપ્યા પછી પણ વિદેશી નાગરિકોને દેશમાં પ્રવેશ આપવાની પરવાનગી આપવામાં નહીં આવે.