ગાંધીનગરમાં સ્પેન અને ફ્રાંસમાંથી આવેલા 54 મુસાફરને ગિફ્ટ સિટીની હોટલમાં રાખી સ્ક્રિનિંગ કરાયું

ગુજરાત મુખ્ય સમાચાર

કોરોના વાયરસે ચીન પછી યુરોપના દેશોને વધુ અસરગ્રસ્ત કર્યા છે. આથી સ્પેન, ફ્રાન્સ સહિતના દેશોમાંથી આવેલા 54 જેટલા મુસાફરોને હાલમાં ગીફ્ટ સીટીની મરક્યુરી હોટલમાં રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા તેમનું સ્ક્રીનીંગની કામગીરી કરી રહ્યું છે. ઉપરાંત લેબોરેટરી તપાસ કર્યા બાદ જો કોઇ શંકાસ્પદ જણાશે તો તેને ગાંધીનગર સિવીલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવશે.

રિપોર્ટ નેગેટીવ આવતા ચાર દર્દીઓને રજા આપીને હોમ ક્વોરોન્ટાઇનની સુચના આપવામાં આવી

ગાંધીનગર સિવીલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કુલ 6 દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી હતી. જેમનો મેડિકલ રિપોર્ટ કરાવવામાં આવતા ચાર દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવતા તેમને રજા આપીને હોમ ક્વોરોન્ટાઇનની સુચના આપવામાં આવી છે. જ્યારે બે દર્દીઓના રિપોર્ટ આવ્યા નથી.

ડભોડા દર્શનાર્થે ઓછા ભક્તો આવે તેવી અપીલ
રૂપામ મંદિરના મંત્રી અરવિંદભાઇ પટેલે જણાવ્યું છે કે માતાજીના દર્શનાર્થે આવતા દરરોજના અંદાજે 200 માઇ ભક્તોની સલામતીને ધ્યાનમાં રાખીને સેનેટાઇઝરથી હાથ ધોવડાવ્યા બાદ જ મંદિરમાં પ્રવેશ અપાશે.ડભોડા હનુમાનજી મંદિરના વ્યવસ્થાપક રાજુભાઇ ગજ્જરે જણાવ્યું છે કે ભક્તોની લાગણી દુભાય નહી તેવું આયોજન શનિવારે કરાશે.

ગીયોડ મંદિરમાં આરતીમાં કોઇને એન્ટ્રી નહી : મહામંત્રી
ગીયોડ મંદિરના મહામંત્રી હસમુખભાઇ પટેલે જણાવ્યું છે કે ભક્તોની લાગણી દુભાય નહી તે રીતે સવાર-સાંજ માતાજીની આરતી વખતે કોઇપણ વ્યક્તિને પ્રવેશ અપાતો નથી. દિવસમાં માત્ર દસથી વધુ ભક્તોને સાથે પ્રવેશ અપાઇ રહ્યો છે.

મહાનગરપાલિકાએ વિધાનસભા, સચિવાલયમાં સેનેટાઇઝર મૂક્યા
ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા વિધાનસભા, સચિવાલય, સેક્ટર-21 એમએલએ ક્વાટર અને જુના સચિવાલયમાં ઠેર ઠેર સેનેટાઇઝર મુકાયા હતા. ઉપરાંત મનપાના આરોગ્ય તંત્રે કર્મચારીઓ કે મુલાકાતીઓને કોરોના વાયરસની જાણકારી આપીને સેનેટાઇઝરથી હાથ કેમ સાફ કરવા જોઇએ તેની પણ જાણકારી આપી હતી.

ખોરજ સહિત 12 સ્થળોએ ઉકાળાનું વિતરણ કરાયુ
ખોરજ ગ્રામ પંચાયત દ્વારા બે દિવસથી ઉકાળાનું વિતરણ 1300 ગ્રામજનો કરાયું છે. આસપાસની શાળાના 1300 વિદ્યાર્થીઓને માસ્ક આપ્યાનું સરપંચ ભાવનાબેન ભરતભાઇ પટેલે જણાવ્યું છે. કુલ 12 સ્થળોએ 516 લાભાર્થીઓને ઉકાળો પીવડાવ્યો હતો.

24 મેડિકલ સ્ટોર્સની આકસ્મિક તપાસ: 3ને દંડ
માસ્ક અને સેનીટાઇઝરની અછત અને એમઆરપી કરતા વધારે ભાવની તપાસ કરવાના કલેક્ટરના આદેશને પગલે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કુલ 24 મેડિકલ સ્ટોર્સની તપાસ કરીને ત્રણમાં અનિયમિતતા જોવા મળતા દંડ ફટકારાયો હતો. સ્ટીકર પર વધુ ભાવના નવા સ્ટીકર મારવા બદાલ અને ઓછું પ્રવાહી આપવા બદલ કેસ નોધાયા હતાં.

જાહેરમાં થુંકનારા પાસેથી 42 હજારનો દંડ વસૂલ કરાયો
જિલ્લા રોગચાળા વિભાગ દ્વારા અલગ અલગ 32 ટીમો બનાવીને ઉનાવા, પેથાપુર, કોલવડા, માણસા અને કલોલ વિસ્તારમાંથી જાહેરમાં થુંકનારા પાસેથી 42000નો દંડ વસુલાયો છે. જેમાં મંગળવારે 10000 જ્યારે બુધવારે રૂપિયા 32000નો દંડ વસુલાયો છે.

ડોર ટુ ડોર સરવેનો બીજો રાઉન્ડ: 117 ટીમ કામે લાગી
જિલ્લામાં ડોર ટુ ડોર સર્વે કરીને ગામોમાંથી કોરોનાના દર્દીઓ શોધવા ગત 1લી ફેબ્રુઆરીથી સર્વે શરૂ કરાયો છે. જેમાં પ્રથમ રાઉન્ડ પુરો થઇ ગયો છે. જ્યારે બીજા રાઉન્ડમાં કુલ 268276 ઘરોની કુલ 1287938 વસ્તીનું સર્વે કરવા માટે આરોગ્ય વિભાગની કુલ 171 ટીમો બનાવી છે. બીજા રાઉન્ડમાં કુલ 8550 ઘરોનો સર્વે કરાયો છે.

મુસાફરોને કોરોનાની જાણકારી આપતી પત્રિકાનું વિતરણ
કોરોના વાયરસથી કેવી રીતે બચી શકાય તેની જાણકારી આપતી પત્રિકાઓનું વિતરણ એસ ટી બસના મુસાફરોમાં કરાયું હતું. ઉપરાંત ખાંસી ખાતા લોકોને શું તકેદારી રાખવી તેની પણ જાણકારી આપી હતી.