મુંબઈ મેટ્રો માટે આરે કોલોનીમાં વૃક્ષચ્છેદન ચાલુ, વિરોધ કરનારા 38ની ધરપકડ

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

મુંબઈમાં મેટ્રો પ્રોજેક્ટ માટે આરે કોલોનીમાં વૃક્ષચ્છેદનના મુદ્દે રાજકીય ધમસાણ જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સમયેજ આ મુદ્દો ગરમાતા હવે સમગ્ર વિવાદ રાજકીય રંગે રંગાયો છે. પોલીસે શનિવારે આરે કોલોની અને આસપાસના વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દીધી છે. મુંબઈ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે આરે કોલોનીના વૃક્ષો કાપવાના મુદ્દે સ્થાનિકો તેમજ સામાજિક કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. આ ગ્રીન ઝોન મુંબઈને સ્વચ્છ હવા પૂરી પાડતો હોવાનો દાવો તેઓ કરી રહ્યા છે. જો કે હાઈકોર્ટે આરો કોલોનીના વૃક્ષ આચ્છાદિત વિસ્તારને જંગલ વિસ્તાર જાહેર કરવા ઈન્કાર કરી દીધો હતો.

વૃક્ષો કાપવાનો વિરોધ કરી રહેલા 38 લોકોની ધરપકડ પોલીસે કરી છે જ્યારે 60થી વધુની અટકાયત કરવામાં આવી છે. શિવ સેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને પોલીસે તેમની પણ અટકાયત કરી હતી.

વિપક્ષો આ મુદ્દે શાસકપક્ષો શિવસેના અને ભાજપના ગઠબંધન પર પ્રહારો કરી રહ્યા છે. વિપક્ષે આક્ષેપ કર્યો કે શાસકો વૃક્ષો બચાવવામાં નિષ્ફળ ગયા છે. શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ અગાઉ મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશનની વૃક્ષો કાપવાના મામલે ટિકા કરી હતી. તેણે જણાવ્યું હતું કે, ‘કપટપૂર્વક ઈકોસિસ્ટમનો સોથ વાળી દેવામાં આવી રહ્યો છે. આ શમરજનક અને ધૃણાસ્પદ બાબત છે.’ આદિત્ય ઠાકરે એમ પણ જણાવ્યું કે મુંબઈ મેટ્રોના અધિકારીઓએ વૃક્ષો કાપવાને બદલે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) જઈને આતંકવાદી ઠેકાણા નાબૂદ કરવા જોઈએ.

મુંબઈ મેટ્રોના કોચના ઉત્પાદન માટે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશનને મુંબઈ હાઈકોર્ટના ચુકાદા બાદ શુક્રવાર રાતથી જ વૃક્ષચ્છેદનની કામગીરી હાથ ધરી હતી. જો કે સામાજિક કાર્યકરો અને સ્થાનિકોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો. એનજીઓ દ્વારા વૃક્ષોને નહીં કારવા અંગે મુંબઈ હાઈકોર્ટમાં કરાયેલી ચાર પીટિશનને કોર્ટે ફગાવી દીધી હતી. સામાજિક કાર્યકરોએ એવો દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં 200 જેટલા વૃક્ષોનો સોથ વાળી દેવામાં આવ્યો છે.

પોલીસે શનિવારે સવારથીજ આરે કોલોની વિસ્તારમાં નાકાબંધી ગોઠવી હતી અને સીઆરપીસીની કલમ 144 લાગુ કરી હોવાનું મુંબઈ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું.

કાર્યકરોએ જણાવ્યું કે, આ વિસ્તાર આસપાસ મોટાપાયે પોલીસ કાફલો ખડકી દેવાયો છે અને કોઈપણને આરે કોલોનીમાં પ્રવેશવા દેવામાં આવતા નથી. આ કેસની આગામી 10 ઓક્ટોબરે ગ્રીન ટ્રિબ્યૂનલ સમક્ષ સુનાવણી થશે. કેટલાક કાર્યકરોએ એવો આક્ષેપ કર્યો છે કે એમએમઆરસીએલ ત્યાં સુધીમાં વૃક્ષચ્છેદનની કામગીરી પૂરી કરવા ઉતાવળ કરી રહ્યું છે.