પાકિસ્તાન સરકારના રેલવે મંત્રી શેખ રશીદ અહેમદે વિચિત્ર અને હાસ્યાસ્પદ નિવેદન આપતા પાકિસ્તાનમાં જ ભારે ટીખળ થઈ હતી. ઈમરાનના આ મંત્રીએ કહ્યું હતું કે પાકિસ્તાન લશ્કર પાસે 100 ગ્રામ અને 250 ગ્રામના પરમાણુ બોમ્બ છે, જે ખાસ લક્ષ્ય માટે બનાવાયા છે.
પાકિસ્તાનના મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે ઈમરાન ખાન સરકારના રેલવે મંત્રીએ વધુ એક હાસ્યાસ્પદ નિવેદન આપ્યું હતું. એક રેલવે ભવનનું ઉદ્ધાટન કર્યા પછી ભાષણ આપતી વખતે શેખ રશીદ અહેમદે શેખચલ્લી જેવી વાત કરતા કહ્યું હતું કે ભારત પાકિસ્તાનને ઓછું ન આંકે, પાકિસ્તાન પાસે વિશેષ લક્ષ્યને પાર પાડવા માટે વિશેષ પ્રકારના પરમાણુ બોમ્બ છે.
100 ગ્રામ અને 250 ગ્રામના આ પરમાણુ બોમ્બ ખાસ પ્રકારના લક્ષ્યાંક પાર પાડી શકે છે. જો જરૂર પડશે તો પાકિસ્તાન આવા બોમ્બ ભારત ઉપર ફેંકશે.
ઈમરાન ખાનના આ મંત્રીએ શેખી મારતા કહ્યું હતું કે પાકિસ્તાન પરમાણુ યુદ્ધ નથી ઈચ્છતું, પરંતુ જો સમય આવશે તો પાકિસ્તાન આવા નાનકડાં પરમાણુ બોમ્બથી જવાબ આપશે.
પાકિસ્તાનના રેલવે મંત્રીની આ હાસ્યાસ્પદ ટીપ્પણીની પાકિસ્તાનમાં પણ ભારે રમૂજ થઈ હતી. સોશિયલ મીડિયામાં લોકોએ રમૂજ કરી હતી કે ઈમરાન ખાન લોકોને 100 ગ્રામ અને 250 ગ્રામ શાકભાજી વાજબી ભાવે આપી દેશો તો પણ એ સિદ્ધિ ગણાશે.
100 ગ્રામ અને 250 ગ્રામના પરમાણુ બોમ્બ બનાવવાની શેખી મારતા પહેલાં ઈમરાન ખાન સરકારના મંત્રીએ સરકાર સાથે આટલા ગ્રામના શાકભાજી આપવા અંગે વિચારણા કરવી જોઈએ. રેલવે મંત્રી શેખ રશીદ અહેમદ શેખી મારવા માટે પાકિસ્તાનમાં પણ જાણીતા બની ગયા છે. તેના આવા હાસ્યાસ્પદ નિવેદનોની સોશિયલ મીડિયામાં ભારે રમૂજ થાય છે.