અમેરિકા ખાતેથી આવતા સફરજન પરની આયાત ડયૂટીમાં વધારો કરાતા દેશમાં ઘરેલું સફરજનની આવક શરૂ થવા પહેલા તેના ભાવમાં વધારો થવાની શકયતા છે. દેશમાં ઉત્પાદિત થતા સફરજનની લણણીની મોસમમાં જુલાઈના અંતમાં શરૂ થાય છે.
આ વર્ષે સારા શિયાળાને કારણે સફરજનનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણી વધુ રહેવા વકી છે. ગઈ વેળાની મોસમમાં અનિશ્ચિત વાતાવરણને કારણે પાક પર પડી હતી. અમેરિકા સામે વળતા પગલાંના ભાગરૂપ ભારતે સફરજન સહિત અમેરિકાની ૨૯ આઈટેમ્સ પરની ડયૂટીમાં વધારો કર્યો છે.
સફરજન પરની ડયૂટીનો દર વીસ ટકા વધારી ૭૦ ટકા કરાયો છે. ભારતીય બજારમાં પોતાના સફરજનનું વેચાણ કરવું હશે તો અમેરિકાના સફરજનના નિકાસકારોએ તેમના માર્જિન ઘટાડી ભાવમાં ઘટાડો કરવો પડશે, એમ એક સ્થાનિક આયાતકારે જણાવ્યું હતું. અમેરિકાના સફરજનના ઊંચા ભાવને કારણે ભારતના વપરાશકારો સ્વદેશી સફરજન ખરીદવાનું પસંદ કરશે.
ભારત ખાતે અમેરિકા સફરજનનો એક મોટો નિકાસકાર દેશ છે.
ભારતની સફરજનની કુલ આયાતમાંથી ૪૦ ટકા આયાત અમેરિકા ખાતેથી થાય છે. સામાન્ય રીતે ઓગસ્ટથી માર્ચના ગાળામાં ઘરેલુ સફરજનની જ ઉપલબ્ધતા વધુ રહે છે.
અમેરિકા ઉપરાંત ભારત ચીલે, પોલેન્ડ, તુર્કી ખાતેથી પણ સફરજનની આયાત કરે છે. ભારતે ગયા વર્ષથી ચીન ખાતેથી સફરજનની આયાત અટકાવી દીધી છે. ગયા વર્ષે કાશમીર તથા હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષો અને અનિશ્ચિત હવામાનને કારણે સફરજનના પાક પર અસર પડી હતી.

