સોનામાં તેજીનો નવો રેકોર્ડ ભાવ રૂ. 35000 બોલાયા

મુખ્ય સમાચાર

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનામાં રેકોર્ડ તેજી આગળ વધતાં જીએસટી સાથેના ભાવ રૂ.૩૫ હજાર બોલાતા હતા. આવા ભાવ અગાઉ જોવા મળ્યા નથી. એવું બજારના પીઢ અનુભવી ઝવેરીઓએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં સોનાના ભાવ વધી ઔંશના ૧૪૦૦ ડોલરની સપાટી કુદાવી જતાં પાંચ વર્ષની નવી ઉંચી સપાટી જોવા મળ્યાના સમાચાર હતા.

વિશ્વ બજાર વધતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલરના ભાવ આંચકા પચાવી ફરી વધી આવતાં ઘરઆંગણે સોનાની આયાત પડતર વધુ ઉંચી ગઈ છે. તેના પગલે ઝવેરી બજારમાં તેજીનો પવન ફૂંકાતો રહ્યો હોવાનું જણાવ્યું હતું. મુંબઈ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૩૫૫૯ વાળા રૂ.૩૩૯૬૪ થઈ રૂ.૩૩૮૯૫ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૩૩૬૯૪ વાળા રૂ.૩૪૧૦૧ થઈ રૂ.૩૪૦૩૧ બંધ રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે હજાર રૂપિયા ઉંચા રહ્યા હતા. આમ જીએસટી સાથેના ભાવ રૂ.૩૫ હજારને આંબી ગયાની ચર્ચા હતી.

દરમિયાન મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ રૂ.૬૯.૪૩ વાલા રૂ.૬૯.૭૫ ખુલી રૂ.૬૯.૭૬ રહ્યા પછી ભાવ રૂ.૬૯.૫૨ થઈ રૂ.૬૯.૫૬ બંધ રહ્યા હતા. ડોલરના ભાવ આજે ૧૩ પૈસા વધ્યા હતા. જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૧૭ પૈસા ઘટી રૂ.૮૮.૦૧થી ૮૮.૦૨ રહ્યા હતા જ્યારે યુરોના ભાવ ૧૫ પૈસા વધી રૂ.૭૮.૭૦થી ૭૮.૭૧ રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૭૯૫૫ વાળા રૂ.૩૮૦૯૦ થઈ રૂ.૩૭૮૮૦ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૩૮૦૦૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે ૯૦૦થી ૯૫૦ ઉંચા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ વધી ઉંચામાં ૧૪૦૬.૬૦ ડોલર થયા પછી સાંજે ભાવ ૧૩૯૮થી ૧૩૯૮.૧૦ ડોલર રહ્યા હતા જ્યારે ચાંદીના ભાવ ઉંચામાં ૧૫.૫૩ ડોલર થઈ સાંજે ભાવ ૧૫.૩૩થી ૧૫.૩૪ ડોલર રહ્યા હતા.