અમદાવાદમાં ભાજપના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને જાહેરમાં માર મારીને ગુંડાગીરીનું વરવું પ્રદર્શન કર્યું હતું. જોકે ભાજપના વધુ એક ધારાસભ્યની ગુંડાગીરી જેવી હરકત સામે આવી છે. સુરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે પીઆઈયુના કોન્ટ્રાક્ટરોને સુધરી જાઓ નહિ તો ટાંટિયા તોડી નાંખીશ તેવી ધમકી આપી હતી. લોક પ્રતિનિધિની ટપોરી જેવી ધમકીને પગલે ઉહાપોહ મચી ગયો હતો.
ભાજપના સુરત, મજૂરા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય હર્ષ સંઘવીએ શુક્રવારે સિવિલ હોસ્પિટલની લીધેલી મુલાકત દરમિયાન ભારે હોહા મચી હતી. ટ્રોમા સેન્ટરમાં શોર્ટ સર્કિટ થાય એવા તૂટેલા, જોખમી પ્લગ રિપેરિંગની અગાઉ કરાયેલી ફરિયાદનો નિકાલ થયો ન હતો. જેના કારણે બબાલ સર્જાઈ હતી. સિવિલના તબીબી અધિકારીઓએ પીઆઈયુના કોન્ટ્રાક્ટરો કોઈનું સાંભળતા નહીં હોવાની લાચારી સાથે ફરિયાદ કરી હતી. એ પછી ધારાસભ્ય સંઘવીએ કોન્ટ્રાક્ટરોને સુધરી જાઓ નહીં તો ‘ટાંટિયા તોડી નાંખીશ’ તેવી ધમકી ઉચ્ચારતાં મામલો ગરમાયો હતો. ધારાસભ્યે એવું પણ કહ્યું કે, દર્દીઓની સારવારમાં કોઈ બેદરકારી દાખવામાં આવશે અને જે કોઈ જવાબદાર હશે, તેની સામે પોતે ફરિયાદી બની ફોજદારી કાર્યવાહી કરાવશે એમ પણ તેમણે કહ્યું હતું. રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી સુરતના જ હોવા છતાં સિવિલ હોસ્પિટલનો વહીવટ ખાડે ગયો છે. અહીં આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન શુક્રવારે સિવિલની આકસ્મિક મુલાકાતે પહોંચેલા ધારાસભ્યે ટ્રોમા સેન્ટરનો એક્સરે રૂમ બંધ હોવાનું ધ્યાને આવ્યું હતું. ટ્રોમા સેન્ટરમાં મુકાયેલા એસી ક્યાં જતા રહે છે?

