પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આવેલા અને બનાસકાંઠાને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુ ખાતે શિયાળો જામ્યો છે. અહીં ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને પ્રવાસીઓએ પાર્ક કરેલા વાહનો પર બરફ જામી ગયો છે. પ્રવાસન સ્થળ પર પહોંચેલા પ્રવાસીઓ વાહનો પરના બરફને ઉખાડી રહ્યા છે અને તેનાથી બાળકો રમી રહ્યા છે. અહીં તાપમાન શૂન્યની નજીક પહોંચી ગયું છે.
સવારે લોકોએ કાર પરથી બરફ ઉખેડ્યો
ફૂલગુલાબી ઠંડી વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુ ફરવા માટે આવે છે. ત્યારે આજે સવારે ઝાકળ પડીને બરફમાં પરિવર્તિત થઈ ગઈ હતી. આસપાસ પાર્ક કરેલી કારો પર બરફના થર જામી ગયા હતા. લોકો આ મોસમને માણતા નજરે ચડ્યા હતા. બાળકો પણ બરફને હાથમાં લઈને ઉછાળતા દેખાયા હતા.

