હાલ CAB(સિટિઝનશિપ એમેન્ડમેન્ટ બિલ)ના વિરોધમાં જામિયા યુનિવર્સિટીથી લઈ દેશના અનેક રાજ્યોમાં ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યું છે. તેની સાથે સાથે આજે અમદાવાદમાં પણ બિલના વિરોધમાં અલ્પસંખ્યક અધિકાર મંચ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યાર બાદ પોલીસે અમદાવાદ આઈઆઈએમ પાસે વિરોધ કરી રહેલા 15 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. આ વિદ્યાર્થીઓ સહિત પોલીસે કુલ 60 પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.
‘ઈન્કલાબ ઝિંદાબાદ’ના નારા લાગ્યા
આ દરમિયાન પ્રદર્શનકારીઓએ ગુજરાત ‘પોલીસ મુર્દાબાદ’ અને ‘ઈન્કલાબ ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. માત્ર એટલું જ નહીં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું અને પ્રદર્શનકારીઓને ટીંગાટોળી કરીને પોલીસે અટકાયત કરવાની ફરજ પડી હતી.

