કાશ્મીર મુદ્દે હચમચેલા પાકિસ્તાન ચૌતરફ ભારતનો વિરોધ કર્યું છે અને વિશ્વસ્તરે કોઇ પ્રતિસાદ ન મળતા તે આતંકી પ્રવૃત્તિઓને વધારે સક્રિય કરવાના પ્રયત્નોમાં ડૂબી ગયું છે. તાજેતરમાં જ ગુજરાતની કચ્છ સરહદે આતંકી પ્રવૃત્તિઓની ચેતવણી આનું જ પરિણામ છે.
પાકિસ્તાનની ભારત વિરોધી કૃત્યો હેઠળ ભારતીય વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી પાકિસ્તાન પર હિંસા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. રવિશ કુમારે જણાવ્યું કે, કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું વલણ તદ્દન બેજવાબદાર છે અને હવે ભારતમાં તે હિંસા ફેલાવવાના પ્રયત્ન કરી રહ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે જણાવ્યું કે, ભારતના આંતરિક મુદ્દે પાકિસ્તાન સતત નિવેદનો કરી રહ્યું છે, પાકિસ્તાન ભારતમાં જેહાદ કરવાની વાત કરી રહ્યું છે. વિશ્વ પાકિસ્તાનની નાપાક ચાલોને સમજી ચૂક્યું છે. પાકિસ્તાન માનવાધિકાર મંત્રી દ્વારા યૂએનમાં પત્ર લખવાના સમાચારો વિશે રવિશ કુમારે જણાવ્યું કે, તેમનો પત્ર કોઇપણ પ્રતિક્રિયાને લાયક નથી. જો કે કાશ્મીરમાં પરિસ્થિતિઓ હવે સુધરી રહી છે.
પાકિસ્તાની સેના દ્વારા ભારતમાં દરિયાઇ માર્ગો દ્વારા આતંકીઓની ઘૂસણખોરી મામલે રવિશ કુમારે જણાવ્યું કે, સરકારને આંતકીઓની ઘૂસણખોરીના અહેવાલ પ્રાપ્ત થયા છે. રવિશે જણાવ્યું કે પાકિસ્તાને સામાન્ય પડોસી દેશ તરીકે વર્તન કરવું જોઇએ, સામાન્ય વાતચીત કરવી જોઇએ, સામાન્ય વેપાર સંબંધો જાળવવા જોઇએ. અમે ઇચ્છીએ છીએ કે તે સામાન્ય પડોસી દેશ તરીકે વર્તે અને પડોસી દેશમાં આતંકીને ન ધકેલે.