શનિવારે સુપ્રીમ કોર્ટ દ્વારા દેશના સૌથી સંવેદનશીલ મુદ્દો અયોધ્યા વિવાદીત જમીન પર નિર્ણય આપ્યો. લગભગ ચાલીસ વર્ષથી ચાલી રહેલા આ વિવાદનો અહી અંત માનવામાં આવે છે પરંતુ આ માટે ભૂતકાળમાં ઉભી થયેલી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સમગ્ર દેશને હાઇ એલર્ટ પર રાખ્યો હતો.
દેશમાં શાંતિનું વાતાવરણ જળવાઇ રહે તે માટે આ નિર્ણય પહેલા જ સમગ્ર દેશમાં સુરક્ષા દળોને સક્રિય કરી દેવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ મામલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલ, ગૃહ સચિવ અજીત ભલ્લા, ઇન્ટેલિજન્ટ બ્યૂરોના વડા અરવિંદ કુમાર સાથે પોતાના આવાસ પર એક બેઠક બોલાવી હતી, આ દરમિયાન તેમણે યૂપીના સીએમ યોગી આદિત્યનાથ અને મધ્ય પ્રદેશમાં કમલનાથ સહિત કેટલાક મુખ્યમંત્રીઓ સાથે પણ વાત કરી હતી.
નિર્ણયના દિવસે વિભિન્ન રાજ્યોમાં પોલીસ દળોએ સ્થિતિને અંકુશમાં રાખવા તેમજ અસામાજીક તત્વો દ્વારા વાતાવરણ ડહોળુ ન બને તેની ખાસ તકેદારી દાખવી હતી.
જો કે દિવિસ દરમિયાન ઉત્તર પ્રદેશમાં સ્થિતિ સામાન્યસ્તરે રહી હતી, અહી કોઇ પણ અપ્રિય ઘટના બની હોવાનું સામે નથી આવ્યું. યૂપી પોલીસ વડા ઓપી સિંહ મુજબ, તેમણે અધિકારીઓને સતત સંપર્કમાં રહેવા અને તમામ વિસ્તારો પર ચાંપતી નજર રાખવાના આદેશ કર્યા હતા. આ સિવાય યૂપી એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ પી વી રામસસ્ત્રીએ જણાવ્યું કે રાજ્યમાં સાંપ્રદાયિક હુલ્લડોને હવા આપવાના ઉદેશ્યથી ખોટા સમાચારો કે અફવાઓ ફેલાવવા માટે ટ્વિટર અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા અસામાજીક તત્વો વિરુદ્ધ વિતેલા 10 દિવસોમાં 80 કેસો નોંધવામાં આવ્યા હતા.
એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે 40 સશસ્ત્ર કેન્દ્રીય પોલીસ દળોની ટૂકડીઓને યૂપીના અલગ-અલગ રાજ્યો અને અયોધ્યા જીલ્લામાં સક્રિય રાખવામાં આવી હતી. અન્ય એક અધિકારી મુજબ અયોધ્યામાં સ્થિતિ સામાન્ય છે અને લોકો સામાન્ય જનજીવનમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે 20 સીએપીએફ ટૂકડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી જે દેશના કોઇપણ ખૂણે સ્થિતિ સંભાળવા માટે સજ્જ હતી.
આ સિવાય રાજધાની દિલ્હીમાં પણ પોલીસે સુરક્ષાની કડક વ્યવસ્થા કરી હત. દિલ્હી પોલીસે આ પહેલા આદેશ જાહેર કર્યા હતા કે, દિવસ દરમિયાન જે કોઇ શાંતિ ભંગ કરવાના પ્રયત્ન કરશે તેની વિરુ્દ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. દિલ્હી પોલીસ એક એડવાયઝરી જાહેર કરી હતી જેમાં સલાહ આપવામાં આવી હતી કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થતી પ્રવૃત્તિઓ પર નજર હેઠળ રહેશે આથી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ થવો જોઇએ. તમામ યૂઝર્સે ખોટી અફવાઓ કે સમાચારોથી બચીને રહેવું.
આ સિવાય રાજસ્થાનના બીકાનેરમાં સોશિયલ મીડિયા પર આ મુદ્દે આપત્તિજનક પોસ્ટ કરનાર એક 30 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં પણ સુરક્ષાને લઇને બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.
બીજી તરફ આ નિર્ણયને લઇને પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યની તમામ પોલીસને હાઇએલર્ટ પર રાખી હતી. ગુજરાત પોલીસ પણ સતત સક્રિય રહી હતી.
દેશભરમાં સુરક્ષા મામલે કેન્દ્રીય પોલીસ અને ગુપ્ત એજન્સીઓ ઘટનાક્રમ પર નજર રાખીને બેઠી છે. માનવામાં આવી રહ્યું છે આ સ્થિતિ કેટલાક દિવસ સુધી રહેશે.

