જમ્મુ-કાશ્મીરમાં વર્તમાન પરિસ્થિતિઓ અંકુશમાં ન હોવાની અફવાઓ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ, NSA અજીત ડોભાલ, ગૃહ સચિવ રાજીવ ગાબા અને વરિષ્ઠ અધિકારીએ વચ્ચે મહત્વની બેઠક યોજવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પ્રતિબંધોમાં છૂટ આપતા કાશ્મીરમાં સોમવારે શાળાઓ ખોલવામાં આવી હતી, પરંતુ વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાએ પ્રજામાં ભય હોવાનું પૂરવાર કર્યું હતું. અધિકારીઓ મુજબ સરકારે શ્રીનગરમાં 190 પ્રાથમિક શાળાઓ ખોલવા માટે જરુરી સુરક્ષા વ્યવસ્થા કરી હતી. રાજ્યમાં લગભગ તમામ ખાનગી શાળાઓ સતત 15 દિવસથી બંધ છે અને વિતેલા બે દિવસથી થયેલા કેટલાક હિંસક પ્રદર્શનોથી સુરક્ષા મુદ્દે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
કાશ્મીરથી દિલ્હી આવ્યા પછી ડોભાલ અને અમિત શાહની આ પહેલી બેઠક હતી. આ પહેલા ડોભાલ ખીણ પ્રદેશમાં 10 દિવસ રોકાયા હતા અને વ્યક્તિગત રીતે સુરક્ષા વ્યવસ્થાને મોનીટર કરી હતી. એક અધિકારી મુજબ આ બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિઓની વિગતવાર માહિતી ગૃહમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તેમજ સુરક્ષા મુદ્દે જરુરી પગલાની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, આર્ટિકલ 370ને નાબૂદ કર્યા પછી સરકારે જમ્મુ-કાશ્મીરમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા બંધ કરી હતી, તેમજ સમગ્ર રાજ્યમાં કરફ્યુ લગાવવામાં આવ્યું હતું. જો કે ઇદ જેવા તહેવારે પ્રતિબંધોમાં જરુરી રાહત પણ આપવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં જ જમ્મુમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાને અમર્યાદિત સમય માટે ફરીથી બંધ કરી દેવામાં આવી હતી. સરકાર દ્વારા અહી પરિસ્થિતિઓ અંકુશમાં હોવાના દાવા કરવામાં આવ્યા હતા. જેની પર વિપક્ષ દળો દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રસ નેતા ગુલામ નબી આઝાદ તેમજ પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમે આ મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.