શ્રીલંકામાં સીરિયલ બોંબ વિસ્ફોટની જવાબદારી લેનાર આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS)ની નજર હવે ભારત પર છે. તમિલનાડુના કોઈમ્બતૂરમાં NIAએ 12 જૂને ISના સમર્થક એવાં 4 સંદિગ્ધોની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ ISના આતંકી અનેક મંદિર અને ચર્ચમાં ફિદાયીન હુમલાનું ષડયંત્ર રચી રહ્યાં છે, પકડાયેલાં આ શખ્સો પણ તે જ ષડયંત્રમાં સામેલ હતા.
ભારતીય ગુપ્તચર વિભાગે પત્ર લખીને ચેતવણી આપી
1. NIAએ શ્રીલંકા પાસેથી મળેલાં ઈનપુટ પછી 12 જૂને કોઈમ્બતૂરમાં સાત જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન NIAએ ચાર લોકોની ધરપકડ કરી હતી. જેમાં શ્રીલંકા વિસ્ફોટનો મુખ્ય આરોપી જહરાન હાશિમનો ફેસબુક મિત્ર મોહમ્મદ અઝરુદ્દીન પણ સામેલ છે. અન્ય સંદિગ્ધોમાં શાહજહાં, મોહમ્મદ હુસૈન અને શેખ સેફુલ્લાહ પણ છે.
2. ગુપ્તચર વિભાગે કેરળ પોલીસને પત્ર લખીને ચેતવણી આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ પત્રમાં કહેવાયું છે કે ISને સીરિયા અને ઈરાકમાં ઘણું નુકસાન થયું છે, તેથી IS હવે હિંદ મહાસાગર ક્ષેત્ર તરફ વધી રહ્યું છે.
3. પત્રમાં એમ પણ કહેવાયું છે કે ISએ હવે પોતાના સમર્થકોને પોતપોતાના દેશમાં રહીને સક્રિય રહેવા અને મેલી મુરાદને પૂરાં પાડવાનું કહ્યું છે. કોચ્ચિ અને કોઈમ્બતૂરના અનેક મહત્વપૂર્ણ વિસ્તારો ISના નિશાને છે.
4. પોલીસ સૂત્રો મુજબ ગત કેટલાંક વર્ષોમાં કેરળમાં ઓછામાં ઓછ 100 લોકો ISISમાં સામેલ થયા છે. પોલીસે સમગ્ર રાજ્યમાં 3000થી વધુ સંદિગ્ધો પર નજર રાખી છે. જેમાં મોટા ભાગના સંદિગ્ધ ઉત્તરી વિસ્તારથી છે.
5. શ્રીલંકામાં 21 એપ્રિલે ઇસ્ટરના દિવેસ ચર્ચ અને હોટલમાં 8 જેટલાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા. જેમાં 11 ભારતીય સહિત 258 લોકોના મોત નિપજ્યા હતા. ભારતીય ગુપ્તચર વિભાગે શ્રીલંકાને 15 દિવસ પહેલાં જ એલર્ટ મોકલ્યું હતું.