દેશની વધુ એક કંપની વિડિયોકોને દેવાળુ ફૂંકવાની જાહેરાત કરી છે. વિડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂતે કહ્યુ હતું કે, મારી કંપની પર 90,000 કરોડ રુપિયાનુ દેવુ છે. ગયા વર્ષે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ લોન ચૂકવવામાં નિષ્ફળ જનાર વિડિયોકોન સામે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. નાદારી માટેના જે કાયદા છે તે પ્રમાણે હવે કંપનીના બોર્ડને સસ્પેન્ડ કરી દેવાય છે. રોજે રોજના કંપનીના કામકાજ માટે એક પ્રતિનિધિની નિમણંક કરાઈ છે. જોકે કંપનીએ હાથ અધ્ધર કરી દેવાના પગલે 54 લેણદારોની બેલેન્સશીટ પર અસર પડશે. આ પૈકી 34 બેન્કો છે. વિડિયોકોન ગ્રુપની બે કંપનીઓ વિડિયોકોન ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડ અને વિડિયોકોન ટેલીકોમ્યુનિકેશન લિમિટેડ પાસેથી સૌથી વધારે 11175 કરોડની રકમ SBIને લેવાની નીકળે છે. બેંકો સિવાય 731 સપ્યાલર્સને પણ કંપનીએ રકમ ચુકવવાની બાકી છે.જેમને ઉપરોક્ત બંને કંપનીઓએ લગભગ 4300 કરોડ ચુકવવાના છે. વીઆઈએલ કંપનીએ SBI ઉપરાંત IDBI બેંક પાસે 9561 કરોડ, ICICI બેંક પાસે 3318 કરોડની લોન લીધેલી છે.જ્યારે વીટીએલ પર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનુ 30173 કરોડ અને ICICI બેન્કનુ 1439 કરોડ રુપિયાનુ દેવુ છે. ICICI બેંકના મામલામાં તો દિલ્હી પોલીસે વેણુગોપાલ ધૂત સામે ચાર્જશીટ દાખલ કરેલી છે. જેમાં ધૂતને સાત વર્ષ સુધીની સજા થઈ શકે છે. ધૂત પર કંપનીના 30 લાખ શેર વગર જાણ કરે વેચવાનો આરોપ છે. આ શેર પહેલા જ અન્ય કોઈ વ્યક્તિને વેચી દેવાયા હતા. NCLTએ 57000 કરોડની રીકવરીના અરજીઓ સ્વીકારી લીધી છે. વિડિયોકોનને લોન આપવાના મામલામાં ચંદા કોચરને ICICI બેન્કના સીઈઓ પદેથી રાજીનામુ આપવાની ફરજ પડી હતી.આ મામલામાં ચંદા કોચરના પતિને વિડિયોકોને ફાયદો પહોંચાડ્યો હોવાના આક્ષેપો થયા હતા.
