લોકસભા ઈલેક્શન 2019માં બીજેપીના ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં પહોંચ્યા હતા. અહી ઈલેક્શન રેલીમાં પીએમ મોદીએ મુખ્યમંત્રી મમતા બેનરજી પર શાબ્દિક પ્રહાર કર્યો હતો. તેમણે મમતા બેનરજીને પશ્ચિમ બંગાળના સ્પીડ બ્રેકર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળની સ્પીડ બ્રેકર દીદી, આજે શાંતિથી ઊંઘી નથી રહી. સાથે જ મેદાનમાં ઉમટેલી ભીડને જોતા વડાપ્રધાન બોલ્યા કે, રેલીમાં આવેલી આ ભીડ દીદીની હારનું સ્મારક છે. મમતા બેનરજી પર હુમલો કરતા પીએમએ કહ્યું કે, પોતાના રાજનીતિક ફાયદા માટે ઘૂસણખોરોને બચાવીને દીદીએ માટી સાથે વિશ્વાસઘાત કર્યો છે. પશ્ચિમ બંગાળના લોકોને ટીએમસીના ગુંડાઓને હવાલ કરીને તેમણે તમામ આશાઓ તોડી દીધી છે. તેમનું જીવન મુશ્કેલીમાં મૂકી દીધું છે. તેમણે આરોપ લગાવ્યો કે, દીદી હવે એવા લોકોને સાથ આપી રહ્યા છે, જે ભારતમાં બે વડાપ્રધાન ઈચ્છે છે. શું ભારતમાં 2 વડાપ્રધાન હોવા જોઈએ? પરંતુ દીદીએ મોદી વિરોધમાં પોતાના આવા સાથીઓ પર પણ ચુપ્પી સાધી લીધી છે. પીએમએ કહ્યું કે, રાજનીતિમાં જમીન સરકવી શું હોય છે, જો કોઈએ સમજવુ હોય તો, દીદીનો ગુસ્સો જોઈને સમજી શકાય છે. મારા પર આજકાળ અભદ્ર શબ્દોનો વાર થઈ રહ્યો છે. ચૂંટણી પંચ પર તેઓ જે રીતે ભડકી રહ્યા છે, તેનાથી માલૂમ પડે છે કે દીદી કેટલા ડરેલા છે.
