ફિનલેંડ દુનિયાનો એકમાત્ર એવો છે જ્યાં માતા કરતાં વધારે સમય બાળકો સાથે પિતા પસાર કરે છે. આ જાણકારી એક રિપોર્ટમાં સામે આવી છે. આ રિપોર્ટ અનુસાર 2016માં ફિનલેંડને લેંગિક સમાનતાની યાદીમાં બીજાક્રમે રાખવામાં આવ્યું છે. અહીં ઈકોનોમિસ્ટએ તાજેતરમાં જ તેને કામકાજી માતા માટે ત્રીજો સૌથી સારો દેશ ગણાવ્યો છે. પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે 55 લાખની જનસંખ્યાવાળા આ દેશમાં આવું કેવી રીતે શક્ય બને છે. નિષ્ણાંતોનું માનવું છે કે રાજનીતિક મંશા, સામાજિક લોકતંત્રની મજબૂત પરંપરા અને અન્ય માપદંડોના કારણે આ શક્ય બને છે.
ફિનલેંડના લોકોનું માનવું છે કે બાળકોના વિકાસમાં પિતાની મહત્વની ભૂમિકા હોય છે. તેને ધ્યાનમાં રાખી અહીં પિતાને નવ સપ્તાહ સુધી પિતૃત્વ અવકાશ એટલે કે રજા આપવામાં આવે તેવા નિયમો છે. આ દરમિયાન તેમની 70 ટકા સેલેરી પણ તેમને આપવામાં આવે છે. આ યોજના માટે લોકોને જાગૃત કરવા માટે અહીં તાજેતરમાં જ એક કેમ્પેન શરૂ કરવામાં આવી હતી. આ દેશમાં મહિલાઓના અધિકારનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. આ વિશ્વનો બીજો એવો દેશ હતો જેણે સૌથી પહેલા મહિલાઓને મત આપવાનો અધિકાર આપ્યો હતો. અહીં 1906થી મહિલાઓને મતાધિકાર મળ્યો છે. વર્તમાન સમયમાં અહીં 42 ટકા મહિલા સાંસદ છે જ્યારે અમેરિકામાં પણ 19.6 ટકા જ મહિલાઓ સાંસદ છે.
આ દેશમાં એક વધારે વાત છે જેના પર ધ્યાન આપવું જોઈએ. અહીં કોઈ કપલને ત્યાં બાળકનો જન્મ થાય તો તેને મેડિકલ બિલની ચિંતા કરવી પડતી નથી. ગર્ભવતી મહિલાઓના ચેકઅપ અહીં ફ્રી થાય છે અને બાળકના જન્મનો ચાર્જ પણ ખૂબ ઓછો છે. અન્ય દેશોમાં આ ખર્ચ વધારે જોવા મળે છે. અહીંની સરકાર છેલ્લા 80 વર્ષથી બેબીના જન્મ પર માતાપિતાને બેબી બોક્સ ગિફ્ટ કરે છે જેમાં બાળકોની જરૂરીયાતની વસ્તુઓ હોય છે.

