કોરોના વાઇરસને લીધે અત્યાર સુધી વિશ્વમાં 30 લાખથી વધુ લોકો ચેપગ્રસ્ત થઈ ગયા છે. જૉન હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર વિશ્વભરમાં અત્યાર સુધી કુલ ચેપગ્રસ્તોની સંખ્યા 30 લાખ, 41 હજાર, 550 થઈ ગઈ છે.
અત્યાર સુધી 2.11,159 લોકોનો જીવ ગયો છે. મરનારા લોકોની સંખ્યા હજુ વધારે હોઈ શકે. કારણ કે કેટલાય દેશોમાં સંબંધિત મામલાઓની અધિકૃત જાણકારી નથી મળી.
ન્યૂઝીલૅન્ડનો દાવો છે કે દેશમાં કમ્યુનિટી ટ્રાન્સમિશનને રોકવામાં સફળતા મળી છે અને કોવિડ-19ને પ્રભાવી રીતે નાબૂદ કરાયો છે.
અહીં ઍલર્ટ લેવલને ઘટાડવામાં આવ્યું છે જેનાથી જરૂરી વ્યવસાય, આરોગ્ય સેવા અને સ્કૂલનું કામકાજ ફરી શરૂ કરી શકાશે.
ચાર લાખ જેટલા લોકો કામ પર પાછા ફરી શકશે. સ્કૂલ અને ડે બોર્ડિંગ જેવી સુવિધાઓ શરૂ કરવામાં આવશે.
ન્યૂઝીલૅન્ડનાં વડા પ્રધાન જૅસિન્ડા આર્ડેને ચેતવણી આપી છે કે લૉકડાઉનમાં ઢીલ આપવામાં આવી રહી છે પરંતુ હજી ખતરો ખતમ નથી થયો.
તેમણે લોકોને ઘરે રહેવા અને ઘરેથી કામ કરવા માટે વિનંતી કરી છે અને મહામારીના બીજા તબક્કા અંગે પણ ચેતવ્યા હતા.
ન્યૂઝીલૅન્ડમાં સરહદ બંધ કરવા અને આઇસોલેશન જેવા પગલાં લેવાને કારણે કોરોના વાઇરસથી જલ્દી મુક્તિ મળી શકી છે.
દેશમાં કોરોના સંક્રમણના 1500 કેસ સામે આવ્યા છે જેમાં સંદિગ્ધ સંક્રમિતો પણ સામેલ છે અને કોરોના સંક્રમણને કારણે મરણાંક 19 છે.