કર્ણાટકની રાજનીતિમાં કોંગ્રેસ તેની પકડ ખોઇ રહી હોવાનો ખુલાસો થઇ રહ્યો છે. તાજેતરમાં બે કોંગ્રેસ ધારાસભ્યોના રાજીનામા પછી રાજ્યમાં કોંગ્રેસની હાલત કફોડી હોવાના સંકેત આપી રહ્યા છે. કોંગ્રેસ ધારાસભ્ય આનંદ સિંહ અને રાજેશ જરકીહોલીએ વિધાનસભાની સભ્ય પદેથી રાજીનામા આપ્યા છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, ધારાસભ્યો રાજીનામા પછી ગાયબ થઇ ચૂક્યા છે. જેથી તેમની પાર્ટી તેમનો સંપર્ક ન સાધી શેક.
રાજીનામુ આપ્યા પછી ધારાસભ્યો મીડિયાના સંપર્કમાં આવ્યા હતા, પરંતુ કોઇ પ્રતિક્રિયા આપી ન હોતી.
આ મામલે કર્ણાટક સરકારના મંત્રી ડીકે શિવકુમારે માહિતી આપી હતી કે, તેઓ સતત આનંદ સિંહ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમનું માનવું છે કે, આનંદ સિંહના રાજીનામાએ કોંગ્રેસને મોટો ફટકો આપ્યો છે. હું તેમને મળીને જાણીશ કે રાજીનામું સાચુ છે કે આ પાછળ અન્ય ગણિત કામ કરી રહ્યું છે.
કર્ણાટક ભાજપા પ્રમુખ બીએસ યેદિયુરપ્પાએ આ મામલે જણાવ્યું કે, પરસ્પર મતભેદોને કારણે જો વર્તમાન સરકાર પડી ભાંગે છે તો, ભાજપા નવી સરકાર રચવાની તક શોધશે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પછી કર્ણાટકમાં રાજકીય માહોલ બદલાયો હતો, કારણ કે સીએમ કુમારસ્વામી પણ જાહેરાત કરી ચૂક્યા હતા કે સીએમ તરીકે સરકાર ચલાવવી હવે મુશ્કેલીભર્યું લાગે છે.
બીજી તરફ પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ રાજ્યમાં મધ્યાંતર ચૂંટણી કરવાની વાત કરી રાજકારણમાં હંગામો મચાવી દીધો હતો. તેમની આ જાહેરાત કોંગ્રેસ માટે મોટા ફટકા સમાન હતી.

