અમદાવાદસ્થિત બી.જે.મેડિકલ કોલેજના ડીનનું ઈમેઈલ આઈડી હેક કરીને તેમના નામે ડોક્ટરો સહિત અનેક લોકો પાસેથી મેઈલ દ્વારા રૃપિયાની માંગણી કરવામા આવી છે. જેને લઈને ડીન દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવામા આવી છે.અગાઉ પણ તત્કાલીન ડીનનું ઈમેઈલ આઈડી હેક કરી દેવામા આવ્યુ હતું. બી.જે.મેડિકલના ઈન્ચાર્જ ડીન ડૉ.પ્રણય શાહનું કોલેજ ડીનનું ઈમેઈલ આઈડી હેક કરીને તેમના નામે હેકર દ્વારા કોલેજના પ્રોફેસરો-ડોક્ટરો અને ઈમેઈલમા કનેક્ટેડ તમામ લોકોને ઈમેલ કરવામા આવ્યો હતો.જેમાં જણાવવામા આવ્યુ હતુ કે હું હાલ તમે ક્યાં છો? મને તાત્કાલીક મદદની જરૃર છે અને મદદ માટે આ મેઈલનો રીપ્લાય કરો, હાલ નેટવર્ક ન હોવાથી મારો ફોન પર સંપર્ક થઈશકે તેમ નથી. ડીનના મેઈલ પરથી આવો મેસેજ મળતા અનેક ડોક્ટરોએ અને લાગતા વળગતાએ ડીનનો સંપર્ક કર્યો હતો અને ઘણા લોકોએ તેમને વળતો ઈમેલ પણ કર્યો હતો,ત્યારે હેકર દ્વારા ફરી ઈમેલ કરીને સારવાર દ્વારા રૃપિયાની માંગણી કરવામા આવી હતી.

