ગુજરાત કોંગ્રેસને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. હજુ શુક્રવારે બપોરના સમયે કોંગ્રેસના કદાવર નેતા એવા ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપીને ભાજપો સાથ અપનાવ્યો હતો. ત્યારે મોડી રાત્રે કોંગ્રેસની વધુ એક વિકેટ પડી છે. ધાંગધ્રાના ધારાસભ્ય અને સિંચાઈના કોંભાડના આરોપી એવા પરસોત્તમ સાબરિયાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
પરસોત્તમ સાબરિયાએ આજે મોડી સાંજે કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવા માટે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. મહત્વની વાત છે કે કોંગ્રેસને લોકસભા ચુંટણી પહેલા એક પછી એક ઝટકા મળી રહ્યા છે. આ પહેલા ઉંઝાના મહિલા ધારાસભ્ય આશાબેન પટેલે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેસ પહેર્યો હતો. ત્યાર બાદ શુક્રવારે 8 માર્ચે માણાવદરના કદાવર નેતા જવાહર ચાવડાએ રાજીનામું આપીને ભાજપનો ખેસ પહેર્યો હતો. તો ત્યાર બાદ પરસોત્તમ સાબરિયાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દેતા કોંગ્રેસના નેતાઓની ઉંઘ હરામ થઇ ગઇ છે.

