નોટબંધીમાં પોતાના ખાતામાં જ રૂપિયા જમા કરાવવાને છેતરપિંડી કે ભ્રષ્ટાચાર ન ગણી શકાય એવી સ્પષ્ટતા કરતાં હાઇકોર્ટે પોતાના ખાતામાં જ રૂ. 1.49 કરોડની રકમ જમા કરાવનાર અને બેંક મેનેજર સામેની ફરિયાદ ફગાવી દીધી છે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, જો ટેક્સની ચોરી કરી હોય તો તેવા સંજોગોમાં કાર્યવાહી કરી શકાય.’ યુકો બેંકના મેનેજર તરીકેની કામગીરી દરમિયાન ભાસ્કર સોનીએ નોટબંધીમાં 10મી નવેમ્બરથી 30મી ડિસેમ્બર દરમિયાન એક જ એકાઉન્ટમાં મોટી રકમ જમા થવા દીધી હતી. આ ડોર્મન્ટ કેટેગરીના એકાઉન્ટ માટે જરૂરી કેવાયસી પણ લેવાયા ન હતા. આરબીઆઇના પરિપત્રોનું પાલન કર્યા સિવાય સોનીએ આ રકમ આરટીજીએસથી ટ્રાન્સફર કરવા માટે પણ વ્યવસ્થા આપી હતી. જુદીજુદી તારીખે ખાતેદાર દ્વારા 1.49 કરોડની રકમ જમા કરાવી હતી. જેથી તેની સામે સીબીઆઇએ ફરિયાદ નોંધી હતી.
અરજદાર તરફથી એડવોકેટ ચેતન પંડ્યાએ રજૂઆત કરી હતી કે,‘RBI પરિપત્રમાં માત્ર મહત્તમ નાણાં ઉપાડવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. મહત્તમ રકમની ડિપોઝિટ બાબતો કોઇ સ્પષ્ટતા કરી ન હતી. જો કેવાયસી સિવાય પણ ખાતેદારને તેના ખાતામાં વધુ રકમ જમા કરાવવા દેવામાં આવે તો પણ તેને ગુનો ન ગણાય.’ સીબીઆઇ તરફે એવી રજૂઆત કરાઇ હતી કે,‘પાર્શ્વનાથ મોટર્સના આવા બીજા બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં 2.73 કરોડની ડિપોઝિટ કરાયા હતા. એટલે કુલ 4.20 કરોડ ડિપોઝિટ કરાયા હતા. તેમણે સરકારી નાણાં સાથે ઉચાપત કરી હતી.’

