ઉમંગ કુમારની ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ ઘણા લાંબા સમયથી ચર્ચાનો વિષય બનેલી છે. ચર્ચાનું એક કારણ એ પણ છે કે વડાપ્રધાન મોદીના કાર્યકાળ દરમિયાન જ તેમની બાયોપિક તૈયાર કરવામાં આવી છે. પહેલા ફિલ્મ 11મી એપ્રિલે રિલીઝ થવાની હતી પરંતુ ચૂંટણી પંચે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ફિલ્મ પ્રોડ્યુસર સંદીપ સિંહે તાજેતરમાં એક નિવેદન આપતા કહ્યું કે, ‘આ ફિલ્મ દ્વારા લોકો ભાજપ કે વડાપ્રધાન મોદીને મત આપવા માટે પ્રભાવિત થાય તેવું આ ફિલ્મમાં કાંઈ જ નથી. જો વિપક્ષોને એવું લાગતું હોય કે આ ફિલ્મ દ્વારા લોકો ભાજપને મત આપવા પ્રેરાશે તો તેઓ પણ પોતાની પાર્ટીઓનો પ્રચાર કરવાની જગ્યાએ પોતે પણ ફિલ્મો જ કેમ નથી બનાવી દેતા?’
પોતાની ફિલ્મોની સ્ટાઈલ પર વાત કરતા તેમણે કહ્યું, ‘આ એક ખૂબ જ સામાન્ય વાત છે. મને એક સ્ટોરી પસંદ આવી ગઈ અને મેં ફિલ્મ બનાવી દીધી. મને અલીગઢની સ્ટોરી પસંદ આવી ત્યારે તો કોઈએ પ્રશ્નો ઉઠાવ્યા ન હતા. જ્યારે મને મેરીકોમની અને સરબજીતની સ્ટોરી પસંદ આવી ત્યારે તો કોઈએ કોઈ પ્રશ્નો ના કર્યા, તો પછી આ ફિલ્મ માટે આટલો હોબાળો શા માટે થાય છે.